×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષનો સૂત્રોચ્ચાર, રાજ્યસભા 12 અને લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત


સંસદમાં ચામાસું સત્રનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને આજે સત્રનો નવમો દિવસ છે ત્યારે આજે ફરી એકવાર બંને ગૃહમાં મણિપુર મુદે હોબાળો શરુ થયો હતો. આ સાથે જ લોકસભા 2 જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષ સાંસદો વડાપ્રધાનને ગૃહમાં આવવા માટેના નારા લગાવી રહ્યા છે.



ગૃહમાં હંગામો દુર્ભાગ્યપૂર્ણ: ઓમ બિરલા 


લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે છેલ્લા 8 દિવસથી એક જ મુદ્દા પર ગૃહમાં હંગામો ચાલી રહ્યો છે અને કાર્યવાહી ચાલી રહી નથી. મેં ગઈકાલે ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે મણિપુર ઘટના પર ટૂંકી ચર્ચા માટે અઢી કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ગૃહમાં હંગામાને કારણે આ ચર્ચા પણ અધૂરી રહી હતી. 2014માં સીપીએમ નેતા સીતારામ યેચુરીએ પણ એક મુદ્દા પર વડાપ્રધાનના નિવેદનની માગ કરી હતી. ત્યારે અધ્યક્ષે ચુકાદો આપ્યો હતો કે આ માગ નિયમ મુજબ યોગ્ય નથી. 

ગઈકાલે પણ મણિપુર મુદે સંસદમાં હંગામો થયો હતો 

મણિપુર હિંસા મુદ્દે વિરોધ પક્ષોએ ગઈકાલે સંસદમાં હંગામો કર્યો હતો. બંને ગૃહોમાં સતત હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવામાં આવી હતી. આ કારણે જ ગઈકાલે દિલ્હી સેવા બિલ રજૂ થઈ શક્યું ન હતું. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થયું હતું પરંતુ પૂર્વોત્તર રાજ્યમાં હિંસાને લઈને સતત હોબાળાના કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત થઈ હતી. છેલ્લા 8 દિવસથી બંને ગૃહોની કાર્યવાહી ઠપ્પ છે.

AAPએ આ બિલનો વિરોધ કર્યો

દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી આ બિલનો વિરોધ કરી રહી છે અને તેણે આ માટે વિપક્ષી પાર્ટીઓ પાસેથી સમર્થન પણ માંગ્યું છે. કોંગ્રેસ, JDU સહિત અનેક વિપક્ષી દિલે આ બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે અગાઉ વટહુકમ બહાર પાડ્યો હતો, જેની સામે આમ આદમી પાર્ટી પણ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. આ મામલો પાંચ જજોની બંધારણીય બેંચ પાસે છે.