×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુરૂગ્રામમાં કોમી હિંસા ભડકી : મંદિરમાંથી 2500 લોકોને બચાવાયા

- હરિયાણાના નૂહમાં પોથીયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં 


- બે પોલીસ જવાનનાં મોત, ડીએસપીને માથામાં, પીઆઇને પેટમાં ગોળી મારી, અન્ય 10થી વધુ પોલીસકર્મી ઘાયલ, 144 લાગુ, ઇન્ટરનેટ  સસ્પેન્ડ

- બે મુસ્લિમોની હત્યાના કેસમાં વોન્ટેડ મોનુ શોભા યાત્રામાં હાજર હોવાના દાવા બાદ ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો

- નૂંહમાં ભારેલો અગ્ની, એક હજારથી વધુ પોલીસ જવાન તૈનાત, હિંસાખોરોની ધરપકડ સહિતની કાર્યવાહી શરૂ

નૂંહ : હરિયાણાનાં નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત બ્રિજ મંડલ જળાભિષેક શોભા યાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે ભારે હિંસા ફાટી નીકળી હતી. એક ટોળા દ્વારા આ યાત્રાને ગુરૂગ્રામ-અલવર નેશનલ હાઇવે પર અટકાવવામાં આવી હતી.  અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાદમાં સામસામે ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા અટકાવનારાઓએ બાદમાં વાહનોમાં પણ ભારે તોડફોડ કરી હતી અને અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. આ હિંસામાં ગોળીબાર પણ થયો હતો જેમાં બે હોમગાર્ડના મોત નિપજ્યા છે. જ્યારે બે પોલીસ અધિકારીને પણ ગોળી વાગી છે.

આ યાત્રામાં સામેલ પૈકી ૨૫૦૦ લોકોએ મુસ્લિમ વિસ્તારમાં આવેલા મહાદેવના એક મંદિરમાં શરણ લેવી પડી હતી. જોકે તેમને બાદમાં બચાવી લેવાયા હતા. હાલમાં હરિયાણાના નૂંહ શહેરમાં ગુરૂગ્રામ-અલવર નેશનલ હાઇવે પર ભારે તંગદીલીનો માહોલ છે. મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. શોભાયાત્રા પર પથ્થરમારો કરીને હિંસા ભડકાવનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આંસુ ગેસના શેલ પણ છોડાયા હતા. પરિસ્થિતિ ગંભીર થતા નૂંહ શહેર અને ગુરુગ્રામમાં  ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવાને પણ સસ્પેન્ડ કરી દેવાઇ છે. 

એવા અહેવાલો છે કે આ શોભા યાત્રામાં રાજસ્થાનના બે મુસ્લિમોની હત્યામાં વોન્ટેડ અને પોતાને ગૌરક્ષણ ગણાવતા મોનુ માનેસર હાજર રહેવાનો વીડિયો વાયરલ થયો હતો જેને કારણે મુસ્લિમ સમુદાયના લોકોએ તેની હાજરીનો વિરોધ કર્યો હતો અને તેથી બાદમાં સમગ્ર મામલાએ હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલમાં નૂહમાં આશરે ૧ હજારથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. સમગ્ર નૂહમાં દુકાનો અને માર્કેટને બંધ કરી દેવામાં આવી છે. અગાઉ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક નિવેદન જાહેર કરીને આ શોભાયાત્રાની જાણકારી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જળાભિષેક યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવી રહી છે. 

જ્યારે રાજસ્થાનના બે મુસ્લિમોની ગૌમાંસના આરોપો લગાવીને ટોળા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી તે કેસમાં પાંચ મહિનાથી વોન્ટેડ મોનુ માનેસર દ્વારા પણ આ શોભા યાત્રા પહેલા એક વીડિયો અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે હું પણ આ શોભા યાત્રામાં સામેલ થવા જઇ રહ્યો છું. મોનુની ધરપકડ માટે રાજસ્થાનના ભરતપુરથી એક પોલીસ ટીમ પણ નૂંહમાં રવાના કરવામાં આવી હતી. જોકે તેની હજુસુધી ધરપકડ થઇ શકી નથી. એવામાં મોનુની શોભા યાત્રામાં હાજરીની જાણકારી મળતા એક ટોળુ પહેલાથી જ શોભાયાત્રા જ્યાંથી નિકળવાની હતી ત્યાં ગોઠવાઇ ગયું હતું અને જેવી શોભાયાત્રા નજીક પહોંચી કે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બીજી તરફ મોનૂએ દાવો કર્યો હતો કે મને વીએચપીએ સલાહ આપી હોવાથી હું આ શોભાયાત્રામાં સામેલ નહોતો થયો.  એવા અહેવાલો છે કે હિંસાખોરો દ્વારા પોલીસ પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક હોમગાર્ડનું મોત નિપજ્યું હતું, જ્યારે એક ડીએસપી સજ્જનસિંહને માથામાં ગોળી વાગી હતી અને એક પીઆઇ સંદીપ કુમારને પેટમાં ગોળી વાગતા બન્નેને હાલ સારવાર અપાઇ રહી છે. હરિયાણાના ગૃહમંત્રી અનીલ વિજે કહ્યું હતું કે હેલિકોપ્ટરની મદદથી સુરક્ષા જવાનોને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. જે પણ લોકો હિંસામાં સામેલ હશે તેમને બક્ષ્વામાં નહીં આવે.