×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કર્યો, આવતીકાલથી વધુ ભાડુ ચૂકવવું પડશે



અમદાવાદઃ ગુજરાત એસટીમાં મુસાફરી કરતા 10 લાખથી વધુ મુસાફરોને હવે ભાડા વધારો સહન કરવો પડશે. એસટી નિગમે 2014 બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોને મુસાફરી મોંઘી પડશે. સરકારે પરિપત્ર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે. જેમા એસટીના ભાડામાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો છે.

1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે

એસટી નિગમ દ્વારા લોકલ બસનું પ્રતિ, કિ,મી ભાડુ 64 પૈસાથી 80 પૈસા કરાયું છે અને એક્સપ્રેસ બસમાં 68 પૈસાથી વધારીને 80 પૈસા કરવામાં આવ્યું છે. જ્યારે એસી અને નોન એસી સ્લીપર બસનું ભાડુ 62 પૈસાના બદલે 77 પૈસા પ્રતિ કિ.મી કરવામાં આવ્યું છે. એસ ટી નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.  જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. 

2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કર્યા છે. જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 

છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં વધારો કરાયો નથી

એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કર્યો નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈ જ વધારો કરાયો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.