×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પટણા લાઠીચાર્જ : સુપ્રીમે BJP નેતાના મોત મામલે SIT-CBI તપાસની માંગ કરતી PIL ફગાવી

પટણા, તા.31 જુલાઈ-2023, સોમવાર

થોડા દિવસો પહેલા જ પટણામાં રેલી દરમિયાન ભાજપના નેતા વિજય સિંહનું મોત થયું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાના કારણે તેમનું મોત નિપજ્યું હોવાનો દાવો કર્યો હતો, ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટે સુનાવણી કરતા મોત મામલે SIT અને CBI તપાસની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, પહેલા પટણા હાઈકોર્ટમાં જાઓ

પટણામાં 13મી જુલાઈના રોજ બિહાર વિધાનસભામાં હંગામા બાદ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ભાજપના નેતા વિજય સિંહનું મોત નીપજ્યું હતું. આ મામલે એસઆઈટી અને સીબીઆઈ તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલે આજે સુનાવણી હાથ ધરી પીઆઈએલને ફગાવી દીધી છે. આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંટપીઠે અરજદારને પટણા હાઈકોર્ટમાં જવા કહ્યું છે.

SCએ કહ્યું, હાઈકોર્ટો પાસે ખુબ શક્તિ, પહેલા પટણા HC જાઓ

ખંડપીઠે કહ્યું કે, હાઈકોર્ટ બંધારણીય અદાલતો છે. બંધારણી કલમ 226 હેઠળ હાઈકોર્ટો પાસે શક્તિ છે. જો તેમને લાગે છે કે, સ્થાનિક પોલીસ યોગ્ય કામ કરી રહી નથી તો સ્થાનિક હાઈકોર્ટ હોવાથી તેઓ નિરીક્ષણ કરી શકે છે અને આ મામલે સક્ષમ અધિકારીઓની સાથે એસઆઈટીની રચના કરી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પીઆઈએલને ફગાવી દીધી છે.

SCએ કેસ પર સુનાવણી કરવા હાઈકોર્ટને કહ્યું

સુપ્રીમ કોર્ટે આ કેસને તુરંત હાથ પર લેવા અને ઝડપી નિર્ણય લેવા હાઈકોર્ટને કહ્યું છે. ઉલ્લેખનિય છે કે, વિધાનસભામાં હંગામા બાદ રેલીમાં સામેલ જહાનાબાદ જિલ્લાના ભાજપ નેતા વિજય સિંહનું મોત નિપજ્યું હતું. પક્ષના નેતાઓનો દાવો છે કે, પોલીસ દ્વારા ક્રુર લાઠીચાર્જના કારણે તેમનું મૃત્યુ થયું, તો બીજી તરફ પટણા જિલ્લા વહિટીતંત્રના એક નિવેદનમાં જણાવાયું હતું કે, તેમની શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.

PILમાં નીતિશકુમાર, તેજસ્વી યાદવનો ઉલ્લેખ

બિહારના રહેવાસી ભૂપેશ નારાયણ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ હતી, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને રાજ્યના પોલીસ વડાઓ તેમજ અન્ય અધિકારીઓ દ્વારા કથિત રીતે સુરક્ષા માટે નિભાવાયેલી ભૂમિકાની તપાસ કરાવા વિનંતી કરવામાં આવી હતી.