×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર વાયરલ વીડિયો મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપી, કહ્યું કોઈને નહીં છોડીએ

નવી દિલ્હી, તા.27 જુલાઈ-2023, ગુરુવાર

ગૃહ મંત્રાલયે મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવાયો હોવાનો વાયરલ વીડિયોના કેસની તપાસ CBIને સોંપી દીધી છે. આ કેસની સુનાવણી મણિપુર રાજ્યની બહાર થશે. CBI ટૂંક સમયમાં આ મામલે કેસ નોંધશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ ઘટનામાં સામેલ કોઈપણ દોષિતોને નહીં છોડવામાં આવે... સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયો રેકોર્ડ કરનારની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રિઝર્વ ફોર્સને એલર્ટ પર રખાયા છે.

જે મોબાઈલથી વિડીયો વાયરલ કરાયો, તે મોબાઈલ જપ્ત કરાયો

મણિપુર સરકાર દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને નોંધાયેલા કેસોની માહિતી ગૃહ મંત્રાલયને સતત અપાઈ રહી છે. મણિપુર વિવાદને લઈને કુકી અને મૈતેઈ સમુદાયના પ્રતિનિધિઓ સાથે 6 રાઉન્ડ વાતચીત થઈ છે. વાયરલ વિડીયો કેસમાં આરોપીઓની ધરપકડ કરાઈ છે અને જે મોબાઈલથી વિડીયો વાયરલ કરાયો, તે મોબાઈલ જપ્ત કરી તપાસ માટે મોકલાયો છે.

મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દેશભરમાં રોષ ભભુક્યો હતો. આ ઘટના 4 મેએ બની હતી. 1000 સશસ્ત્ર હુમલાખોરોએ કાંગપોકલી જિલ્લાના બી ફાઈનોમ ગામ પર હુમલો કર્યો... ત્યારે હુમલાના ડરથી કૂકી સમાજના 2 પુરુષ અને 3 મહિલાઓ જંગલમાં જઈને છુપાયા, પણ તેમને હુમલાખોરોએ પકડી લીધા... ત્યારબાદ તેમને નોનપોક સેકમાઈ પોલીસે છોડાવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ ભીડ તેમને પોલીસ પાસેથી છિનવી લીધા... 56 વર્ષના વ્યક્તિની ત્યાં જ હત્યા કરી દેવામાં આવી અને મહિલાઓને નિવસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી... યુવતી પર જાહેરમાં સામુહિક દુષ્કર્મ કરાયું... તેના 19 વર્ષના ભાઈએ તેની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, તો તેની પણ હત્યા કરી દેવાઈ... બાદમાં ત્રણેય મહિલાઓ કોઈક રીતે જીવ બચાવી શકી.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.