ટામેટાના ભાવમાં ફરી ઘટાડો : દેશભરમાં 500થી વધુ જગ્યા પર સરકાર દ્વારા વેચાણ શરૂ, જાણો નવા ભાવ

ટામેટાના ભાવમાં ફરી ઘટાડો : દેશભરમાં 500થી વધુ જગ્યા પર સરકાર દ્વારા વેચાણ શરૂ, જાણો નવા ભાવ

નવી દિલ્હી, તા.16 જુલાઈ-2023, રવિવાર

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે આજથી એટલે કે રવિવારથી રૂ.80 પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કરી દીધું છે. અગાઉ સરકારે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કહ્યું કે, દેશભરમાં 500થી વધુ સ્થળોએ કિંમતોનું આંકલન કર્યા બાદ 16 જુલાઈથી 80 રૂપિયે પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લેવાયો છે.

આ શહેરોમાં સસ્તા ભાવે ટામેટાનું વેચાણ

નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) દ્વારા દિલ્હી, નોઈડા, લખનઉ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને આરામાં ટામેટાનું વેચાણ કરાઈ રહ્યું છે.

કાલથી દેશના અન્ય શહેરોમાં સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કરાશે

આવતીકાલથી દેશના અન્ય શહેરોમાં સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે જથ્થાબંધ ભાવમાં ઘટાડાને કારણે ભાવમાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર દેશમાં ટામેટાની સરેરાશ કિંમત હાલમાં 117 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે.

દિલ્હી-NCRમાં શનિવારે 18,000 કિલો ટામેટાનું વેચાણ થયું

દિલ્હી NCRમાં શુક્રવારથી સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. શનિવારે અહીં મોબાઈલ વાન દ્વારા 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લગભગ 18000 કિલો ટામેટાંનું વેચાણ નોંધાયું છે. બીજી તરફ રિટેલ માર્કેટમાં ટામેટાનો ભાવ દિલ્હીમાં રૂ.178 પ્રતિ કિલો, મુંબઈમાં રૂ.150 પ્રતિ કિલો અને ચેન્નાઈમાં 132 રૂપિયા પ્રતિ કિલો છે. હાપુડમાં ટામેટાની વધુમાં વધુ કિંમત 250 રૂપિયે કિલો છે.

Share: