ખાનગી સ્કૂલના શિક્ષકો પણ સરકારી શિક્ષકો જેટલાં પગાર-ભથ્થાં મેળવવાના હકદાર : દિલ્હી હાઈકોર્ટ

ખાનગી સ્કૂલના શિક્ષકો પણ સરકારી શિક્ષકો જેટલાં પગાર-ભથ્થાં મેળવવાના હકદાર : દિલ્હી હાઈકોર્ટ

image : Wikipedia 

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં ગ્રાન્ટ વગરની શાળાના શિક્ષકોના પગારને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે  ગ્રાન્ટ વગરની ખાનગી શાળાઓના શિક્ષકો પણ  સરકારી શાળાના શિક્ષકો જેટલો જ પગાર અને અન્ય ભથ્થાં મેળવવા માટે હકદાર છે. કોર્ટનો આ નિર્ણય એક ખાનગી શાળાની અરજીના જવાબમાં આવ્યો છે જેમાં તેણે તેના શિક્ષકોને સાતમા કેન્દ્રીય પગાર પંચ મુજબ પગાર ચૂકવવાના નિર્દેશને પડકાર્યો હતો.

ખાનગી શાળાના શિક્ષકોને સમાન વેતન આપવાની કાયદાકીય જવાબદારી

દિલ્હી હાઇકોર્ટે ચુકાદામાં દિલ્હી શાળા શિક્ષણ એક્ટની કલમ 10 નો ઉલ્લેખ કરતાં કહ્યું કે માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાના પગાર અને ભથ્થાં, તબીબી સુવિધાઓ, પેન્શન, ગ્રેચ્યુઇટી, ભવિષ્ય નિધિ અને અન્ય લાભોનો સ્કેલ સરકારી શાળાના કર્મચારીઓ કરતા ઓછો ન હોવો જોઈએ. કોર્ટે શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલી એક નોટિફિકેશન પર પણ ખુલાસો કર્યો કે હતો કે જેમાં તમામ માન્યતા પ્રાપ્ત સ્કૂલોને 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને લાગુ કરવા નિર્દેશ અપાયો હતો. 

જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણાની બેન્ચે ચુકાદો સંભળાવ્યો 

જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રાન્ટ વગરની ખાનગી શાળાઓ તેમની કાયદાકીય જવાબદારીથી છટકી શકે નહીં અને તેઓએ શિક્ષકોને સરકારી શાળાઓ જેટલો જ પગાર અને લાભો ચૂકવવાની તેમની જવાબદારી પૂરી કરવી પડશે. કોર્ટે નોંધ્યું હતું કે તે કાયદાની એક નિર્વિવાદ સ્થિતિ એ છે કે ગ્રાન્ટ વગરની ખાનગી શાળાઓના શિક્ષકો સરકારી સ્કૂલના સમકક્ષો જેટલો જ પગાર અને ભથ્થાંના હકદાર છે જે દિલ્હી સ્કૂલ શિક્ષણ એક્ટ, 1973 હેઠળ અનિવાર્ય છે. 

Share: