મણિપુરમાં હિંસા યથાવત્ : ભીડે વાહનો સળગાવ્યા, 2 જૂથો વચ્ચે સામસામે ગોળીબાર

મણિપુરમાં હિંસા યથાવત્ : ભીડે વાહનો સળગાવ્યા, 2 જૂથો વચ્ચે સામસામે ગોળીબાર

ઈમ્ફાલ, તા.08 જુલાઈ-2023, શનિવાર

મણિપુરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં છમકલા સાથે હિંસા જોવા મળી રહી છે, ત્યારે ઈમ્ફાલમાં વધુ એક હિંસાની ઘટના સામે આવી છે. પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લામાં ભીડે 2 વાહનોને સળગાવી નાખ્યા છે. જ્યારે, પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં જોરદાર ગોળીબારો થઈ રહ્યા છે. આ જાણકારી એક અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું કે, ભીડે ઐતિહાસિક કાંગલા કિલ્લા પાસે મહાબલી રોડ પર 2 ખાનગી વાહનોને સળગાવી નાખ્યા છે. વાસ્તવમાં ભીડને એવી આશંકા હતી કે, આ વાહનોમાં એક વિશેષ જાતીય સમુદાય માટે ઘરનો સામાન લઈ જવામાં આવી રહ્યો છે.

લાઈકોટમાં 2 સમુદાયો વચ્ચે સામસામે ગોળીબાર

હિંસા પર કાબુ મેળવવા માટે પોલીસે એક્શન લેતાં ભીડ વિખેરાઈ ગઈ છે. જ્યારે ભીડ વાહનોને સળગાવી રહ્યા હતા ત્યારે બંને વાહનોના ડ્રાઈવરો મહામુસીબતે ભીડ વચ્ચેથી બચવામાં સફળ થયા છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. બીજીતરફ પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના યિંગાંગપોકપી પાસે લાઈકોટમાં ગઈકાલે રાત્રે 2 સમુદાયો વચ્ચે ગોળીબારના ઘટના પણ સામે આવી છે. આ ઘટના તેવા સમયે બની છે, જ્યારે વિષ્ણુપુર જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં મણિપુર પોલીસ કમાન્ડો સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

શંકાસ્પદ આતંકી સાથે અથડામણ, 1 પોલીસ કર્મચારીનું મોત

ગુરુવારે સાંજે મોઈરાંગમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું હતું, જ્યારે 3 અન્ય લોકોએ કાંગવાઈ, સોંગડો અને અવાંગ લેખાઈ ગામમાં વહેલી સવારે જીવ ગુમાવ્યો હતો. આ તમામ બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાની સરહદ પર તૈનાત હતા. અધિકારીઓનું કહેવું છે કે, પરિસ્થિતિનો સામનો કરવા માટે સેના અને આસામ રાઈફલ્સના જવાનોને શુક્રવારે રાત્રે સોંગડો મોકલાયા હતા.

મણિપુર હિંસામાં 100થી વધુ લોકોના મોત

મળતી માહિતી મુજબ 3 મેએ રાજ્યમાં જાતિય હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 3000 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે મેઈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરાયું હતું. હિંસા પર કાબુ મેળવવા અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ લાવવા માટે મણિપુર પોલીસ ઉપરાંત લગભગ 40,000 કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરાયા છે. મણિપુરની વસ્તીમાં મૈતેઈ સમુદાયના લોકોની સંખ્યા લગભગ 53 ટકા હોવાનું કહેવાય છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી નાગા અને કુકી સમુદાયો 40 ટકા છે અને તેઓ પહાડી જિલ્લાઓમાં રહે છે.

Share: