×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક્સાઈઝ પોલિસી કેસ : EDની મોટી કાર્યવાહી, મનીષ સિસોદિયા, પત્ની સીમા સહિત અન્યોની 52.24 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી, તા.07 જુલાઈ-2023, શુક્રવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - EDએ આજે મોટી કાર્યવાહી કરી છે. EDએ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા સહિત અન્ય લોકોની સંપત્તિ જપ્ત કરી છે. દિલ્હી લિકર કૌભાંડ મામલે 52.24 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કૌભાંડમાં મનીષ સિસોદિયા ઉપરાંત અમનદીપ સિંહ ઢલ્લ, રાજેશ જોશી, ગૌતમ મલ્હોત્રા અને અન્ય લોકો સામેલ છે.

જપ્ત કરાયેલી સંપત્તિમાં મનીષ સિસોદિયા અને પત્ની સીમાની 2 સ્થાવર મિલકતો

મળતા અહેવાલો મુજબ જપ્ત કરાયેલી સંપત્તિમાં મનીષ સિસોદિયા અને તેમની પત્ની સીમા સિસોદિયાની 2 સ્થાવર મિલકતો છે. ઉપરાંત રાજેશ જોશી તેમજ ચેરિયટ પ્રોડક્શન મીડિયા પ્રાઈવેટ લિમિટેડની જમીન અને ફ્લેટનો સમાવેશ થાય છે. આ મામલામાં ગૌતમ મલ્હોત્રાની જમીન અને ફ્લેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 44.29 કરોડની સ્થાવર મિલકતો પણ જપ્તીમાં સામેલ છે.

અગાઉ 76.54 કરોડની મિલકતો જપ્ત કરાઈ હતી

જપ્ત કરાયેલી સંપત્તિમાં મનીષ સિસોદિયાના 11.49 લાખ રૂપિયા, બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડ 16.45 કરોડ રૂપિયા અન્ય બેંક ખાતામાં પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. દારૂ કૌભાંડ કેસમાં જારી કરાયેલો આ બીજો સંપત્તિ જપ્તનીનો આદેશ છે. અગાઉ પ્રથમ સંપત્તિ જપ્ત કરવાના આદેશમાં 76.54 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરાઈ હતી, જેમાં વિજય નાયર, સમીર મહેન્દ્રુ, અમિત અરોરા, અરુણ પિલ્લઈ અને અન્યની સંપત્તિ સામેલ હતી.