×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિદ્રોહ

બોક્સ: એ મારા માટે સૌથી મોટો માનસિક આઘાત હતો…હું શું કરતી..? હું કશું બોલી નહીં. મારા માબાપ જ મારી લાગણીનો અનાદર કરતા હતા તો હું શું કરતી. એમણે કહ્યા પ્રમાણે હું તૈયાર તો થઈ ગઈ પણ મારું મન અને હૃદય બંને વિદ્રોહ કરતા હતાં…. ________________________________________________________________ રૂપા આ વખતે તો ખાસ્સા પાંચ વર્ષ પછી અમેરિકાથી અમદાવાદ આવી. દીકરીનું લગ્ન લીધું છે… કેટકેટલી તૈયારીઓ કરવાની… મણિનગરનો એનો બંગલો પણ લગ્ન માટે તૈયાર કરવાનો છે. રીપેરીંગ અને રંગરોગાન અને સુશોભન અને સાથોસાથ લગ્નની ખરીદી અને બીજી તમામ તૈયારી કરવાની. એ બધું કરવામાં ઓછામાં ઓછા બે મહિના નીકળી જવાના એટલે જ રૂપા ત્રણ મહિના વહેલી આવી ગઈ. સુદીપ, હા, એના પતિ એકાદ મહિના પછી આવશે. બંને દીકરીઓ અને દીકરો છેલ્લા મહિનામાં આવશે. રૂપાને થોડા સામાજિક અને ધાર્મિક કામો પતાવવા હતા. રૂપા અત્યંત ધર્મભીરુ અને ઈશ્વર પ્રતિ અપ્રતિમ આસ્થા ધરાવતી પણ આમ તો એ અંધશ્રદ્ધાળુ પણ ખરી. પાંચ વર્ષે દેશ આવતી હતી એટલે દેવના દેવાય કેટલાં બધાં ચડી ગયાં હતાં. કેટકેટલી બાધા-આખડીઓ પૂરી કરવાની હતી. બે-ત્રણ દિવસ ભડકદ પણ રહેવા જવું હતું. ભડકદ એ રૂપાનું પિયરનું ગામ. મોટાભઈ અને એની જસી ગામમાં જ રહેતા હતાં. પપ્પાને એ મોટાભઈ કહેતી અને મમ્મીને જસી. સંયુક્ત પરિવારમાં ઘરના બધા નાનેરાઓ પપ્પાને મોટાભઈ કહેતા એટલે રૂપા પણ મોટાભઈ કહેતી. મમ્મીનું નામ આમ તો જસુ પણ બધાં એમને જસી કહેતા એટલે એ રૂપા પણ જસી કહેતી. રૂપાનો મોટોભઈ અમદાવાદ રહે એટલે એરપોર્ટ પર રૂપાને રીસીવ કરવા એ જ ગયેલો. શરૂઆતમાં એકાદ અઠવાડિયું એ ભાઈના ઘરે રહેવાની હતી. વ્યવસ્થાપનની પાકી રૂપા અમેરિકાથી નીકળી એ પહેલાથી જ એણે ત્રણેય મહિનાનું તારીખ પ્રમાણે પ્લાનિંગ કરી રાખેલું અને એમાંય વળી કેટલાંક પ્લાન એણે મનોમન નક્કી કરી રાખ્યા હતા જે એણે કોઈની સાથે શેર નહોતા કર્યા. અમદાવાદથી લગભગ ૮૦-૮૫ કિલોમીટર દૂર એનું ગામ. બે ત્રણ દિવસ જેટલેગ ઉતારીને એણે ભાઈને કહ્યું કે “કાલે એ ભડકદ જશે પણ પ્લીઝ તમે કોઈ મોટાભઈને કે જસીને કહેતા નહીં કે હું ત્યાં જાઉં છું. મારે એમને સરપ્રાઇઝ આપવું છે.” ટેક્સીવાળા અર્જુનસિંગ એમના પરિવારના જાણીતા એટલે એને એકલી જવામાં કોઈ વાંધો ન હતો. સવારે વહેલી નવેક વાગે ભડકદ જવા નીકળી. દોઢેક કલાકનો રસ્તો હતો. ગામ જવાનો મનમાં અનેરો ઉત્સાહ હતો. ગાડીમાં પાછલી સીટમાં આરામથી બેસી ગઈ… અમદાવાદ છોડીને ગાડી નેશનલ હાઈવે આઠ પર સડસડાટ દોડવા માંડી. મન પણ એટલી જ તીવ્ર ગતિએ ગામ ભણી જઈ રહ્યું હતું. વિચારોમાં અટવાયેલા મનમાં અનેક ઘટનાઓનું સ્મરણ થઈ આવ્યું તો એ સાથે જ ગામ લોકોના ચહેરા પણ એક પછી એક આંખ સામે આવતાં ગયાં. જ્યાં જ્યાં એ રમી હતી એ બધી જગાઓ સાથે જોડાયેલી યાદોનું ઘોડાપૂર ઊમટ્યું. જેમાં એ ભણી હતી એ ગામની નિશાળ અને બાજુમાં આવેલી ગામની લાઇબ્રેરી. આથમણી ભાગોળે આવેલું ભાથી ખત્રીનું દેરું જ્યાં રામલીલા અને ભવાઈ અને રામાપીરના વેશ નીકળતા. મોડીરાત સુધી બેસીને આ ખેલ જોવા જતાં. છોકરીને એકલી ના મોકલાય એટલે એની જોડે જસીએ જતી અને મોડી રાત સુધી જાગતી. પંચાયતની સામે આવેલો ચબૂતરો જ્યાં મોટાભઈની જોડે ચકલાંને ચણ નાખવા રોજ જતી. રામજી મંદિર અને સ્વામીનારાયણ મંદિર અને તળાવ કાંઠે આવેલું મહાદેવનું જુનું મંદિર જ્યાં એ અને એની બહેનપણી મધુ નિયમિત સાંજે આરતી કરવા જતાં. રોજ સવારે ઊઠી નાહીધોઈ લે એટલે તાંબાની ટબુલીમાં જસી દૂધ ભરી આપે અને હાથમાં મુઠ્ઠી ચોખા આપે એ લઈને ખડકીની સામે આવેલા નવા મહાદેવનાં મંદિર જવાનું. મહાદેવને દૂધ-ચોખા ચડાવવાના અને લોટો પાણી ચડાવવાનું. આ અફર નિયમ. હા, મધુય એ જ સમયે મહાદેવ આવે. રૂપાના ઘરની સામે આવેલી બામણની ખડકીમાં જ એનું ઘર એટલે જ્યાં જાય ત્યાં એ બેય સાથે જ હોય. એ બેય ખાસંખાસ બહેનપણીઓ એટલે ગામમાં રૂપલી-મધલીની જોડી કહેવાતી. ખડકીની ઉપર ટેકરાવાળા ભાગે મહીજી કાકાનો વાડો હતો અને એમાં એમના બાપા ગાંડા દેહઈની મેલડી માતાનું મંદિર. વારેતહેવારે ત્યાંથી ધૂણવાના અને ડાકલાનાં ડરામણા અવાજો આવે. એ વાડામાંથી બહાર નીકળતાં સામે જ ઓઝાનો ઈંટો પાડવાનો ભઠ્ઠો હતો અને એનાથી સહેજ જ આગળ ઉકરડો હતો. ગામની ઓતરાદી ભાગોળે આવેલો હરિજનોનો કૂવો અને એનાથી સહેજ આગળ મોટી ચોક જેવી ખૂલ્લી જગામાં સો એક વર્ષ જુનું મોટું વડનું ઝાડ હતું જેને બધા રામો ડુઓ કહેતા. આ જગા બહુ ડરામણી હતી. રૂપાની આંખ સામે આખું બાળપણ આવી ગયું અને એટલી જ તીવ્રતાથી એનું માનસિક અનુસંધાન મધુ સાથે પણ થઈ ગયું. અમેરિકાથી નીકળી ત્યારે જ એ નિશ્ચય કરીને આવી હતી કે કોઈ પણ રીતે મધુને મળવું જ છે. મધુ અને રૂપાનું બાળપણ અને એમનો યૌવન પ્રવેશ એ બધું સાથેસાથે થયેલું. એમના ઘરમાં કે જીવનમાં બનતું કશું પણ એકબીજાથી છાનું ના હોય. અત્યંત નિકટ આ બંને સખીઓના જીવનમાં પણ અણગમતો એવો વિખૂટાં પડવાનો સમય આવ્યો. રૂપા કૉલેજ કરવા અમદાવાદ ગઈ એ દરમ્યાન જ એની સુદીપ સાથે સગાઈ થઈ અને ઝડપ-ઝડપમાં લગ્ન પણ થઈ ગયું. શરૂઆતમાં તો એ ભડકદ અવારનવાર ટૂંકી મુલાકાતે જતી પણ ધીમેધીમે એ પણ ઓછું થઈ ગયું. આ બધા સમય દરમ્યાન મધુને એકાદ બે વાર અલપઝલપ મળવાનું બનેલું બાકી તો નિરાંતે મળ્યાને તો વરસો વીતી ગયાં. ગાડી સડસડાટ જઈ રહી હતી. આંખમાં અને શરીરમાં થાક અને જેટલેગ હતો એટલે એને એક મસ્તમજાનું ઝોકું આવી ગયું. ગામની નજીક પહોંચ્યા એટલે અર્જુનસિંગે રૂપાને જગાડી. અર્જુનસિંગનો અવાજ સાંભળીને એ સડાક કરતી જાગી ગઈ. બારીમાંથી કેટલે પહોંચ્યાં એનો તાગ મેળવવા માંડી…. થોડું પરિચિત થોડું નવું એવા મિશ્ર ભાવોથી ચોક્કસ ક્યાં પહોંચ્યાનો અંદાજ ના મળ્યો પણ જેવું તળાવ આવ્યું અને સામે કિનારે મહાદેવનું જુનું મંદિર દેખાયું એટલે એના રોમાંચનો પાર ના રહ્યો. આ મહાદેવે તો એ અને મધુ નિયમિત સંધ્યા આરતી માટે આવતાં હતાં. એક ક્ષણ માટે એને મનમાં થયું પણ ખરું કે ચાલ મહાદેવ દર્શન કરીને જાઉં પણ પાછો એક વિચાર એવો ય આવ્યો કે જો મધુ અહીં ગામમાં હશે તો એની સાથે જ મંદિર આવીશ. ગાડી લગભગ ગામની ભાગોળે આવી પહોંચી. એમની આગળ જ એક એસ ટી બસ ગઈ હતી એટલે ભાગોળે ખાસ કોઈ વસ્તી ન હતી. ભાગોળથી જમણી બાજુ ગામ ભણી ગાડી વળી અને ગામમાંથી એક સ્ત્રી હાથમાં થેલી લઈને આ ભણી દોડતી આવતી દેખાઈ…. એણે હાથ લંબાવી ગાડી ઊભી રખાવી. અર્જુનસિંગે ગાડી થોભાવી અને કાચ ઉતાર્યો. “ભઈ, એસ ટી ગઈ… ??? ” અને એની નજર ગાડીમાં બેઠેલી રૂપા તરફ ગઈ… “રૂપીઇઇઇ… !! ” રૂપા પણ અવાજ પરથી એને ઓળખી ગઈ.. “મધુઉઉઉ… !! ” રૂપા એકદમ ગાડીમાંથી નીચે ઊતરી અને એને ભેટી પડી… બેઉની આંખોમાંથી આંસુ નીકળી આવ્યાં. “ હું તો તને ઓળખી જ ના શકી. કેવી થઈ ગઈ છે તું..?? હેં, શું થયું આ બધું..? તારું શરીર અને આ તારો ચહેરોતો સાવ બદલાઈ ગયો છે… તારી ચામડી એકદમ કાળી પડી ગઈ છે મધુ… અને આ માટી કેમ ચોંટી છે તારા વાળમાં હેં મધુ ?? શું..શું.. શું થઈ ગયું આ ? કેમ તું દોડતી આવતી હતી…તારે બસમાં ક્યાંય જવાનું હતું..? “હા રૂપી…મારે આ બસમાં જવાનું હતું….પણ સહેજ માટે બસ ચૂકી ગઈ..” “સારું થયુંને મધુ…આપણે મળવાનું લખ્યું હશે..નહી તો તું તો જતી રહેત અને આપણાથી ના મલાત…તું માનીશ હું આખા રસ્તે તારું રટણ કરતી કરતી આવી છું… ત્રણ ચાર દિવસ પહેલા જ હું આવી અમેરિકાથી. પણ આ વખતે તો હું નિશ્ચય કરીને જ આવી હતી કે કોઈ પણ સંજોગોમાં મારે તને મળવું જ.” તારી બસ તો જતી રહી, હવે..??” “ એ તો કલાક પછી બીજી આવશે. થોડી મોડી જઈશ બીજું શું…. પણ સારું થયું ને કે તું મળી ગઈ… હું ય તને બહુ યાદ કરતી હતી રૂપી..હેંડ ને થોડીવાર ક્યાંક બેસીયે. હેંડ મહાદેવની પાછળ ચોતરે બેસીએ..” “એના કરતા ચાલને મારે ઘેર જ જઈએ… મોટાભઈ અને જસી ય તને મળશે..” “ના… ઘેર નથી જવું…. અહીં જ બેસીએ…” આમ પણ એણે ઘેર એના આવવાનાં સમાચાર મોકલ્યા ન હતા એટલે કોઈ રાહ જોવાનું કે ચિતા કરવાનું ન હતું એટલે એક ક્ષણ વિચાર કરીને બોલી ‘સારું ચલ તું ગાડીમાં બેસી જા… અર્જુનસિંગ ચલો આ મધુ કહે ત્યાં ગાડી લઈ લો” અર્જુનસિંગે ગાડી પાછી વાળી અને મધુ જેમ બતાવતી ગઈ એમ એ ગાડી હંકારતા રહ્યા. “બસ બસ બસ અહીં ઊભી રાખો…” મધુ એક ઝાટકે ગાડીમાંથી ઊતરી ગઈ અને બીજી સાઈડેથી રૂપા પણ ઊતરી ગઈ. મધુએ આગળ ચાલવા માંડ્યું અને અર્જુનસિંગને ગાડીમાં આરામ કરવાનું કહી રૂપા એની પાછળ દોરવાતી રહી. “ચાલને મધુ મહાદેવ દર્શન કરતાં જઈએ” “ ના મારે નથી જવાનું ” એમ બોલીને એ તો આગળ ચાલવા માંડી. મહાદેવની પાછળના ભાગે ખાસ્સે દૂર એક ચોતરા જેવું દેખાયું. મધુ ત્યાં જઈને ઓટલા પર બેઠી…રૂપા એની લગોલગ જઈને બેસી ગઈ. “ અરે મધુ છેક આટલે દૂર આવ્યા એના કરતાતો ક્યાંક નજીકમાં મહાદેવના ઓટલે બેઠા હોત તો સારું.” “ના રૂપી ત્યાં જવાનું હવે મને નથી ગમતું.. ” “અરે…! મહાદેવમાં મારા કરતાં તો તને વધારે શ્રધ્ધા હતી મધુ !!!” “હા…પણ તોય મહાદેવે ક્યાં મારી સામે જોયું..?” “કેમ..? શું થયું મધુ..?” “ રૂપી, તને તો ખબર જ છે ને અરવિંદની ?? ” “હા, પેલો અરવિંદ સુથારનો છોકરો… તને બહુ ગમતો હતો… અને તમે બેઉ છાનામાના ખૂબ મળતા’તા એજ ને..??? તમે બે એકબીજાને બહુ પ્રેમ કરતા હતા…એ તો બધી મને ખબર છે. કેમ એ વખતે તો હું અહીં જ હતી ને ? તું એને મળી ને આવે પછી તમારી પ્રેમગોષ્ઠિની બધી વાત તું મને કરતી હતી.” “ હા, પણ પછી રૂપી તું તો શહેરમાં જતી રહી….” એક નિશ્વાસ નાંખી ને મધુ બિલકુલ ચુપ થઈ ગઈ…રૂપા પણ એ કશુંક બોલે એની રાહ જોઈ રહી. “પણ હું તો ક્યાં જવાની હતી..? અને આમેય હું તો અરવિંદ વગર ક્યાંય જઉં જ નહિ ને..” “તો શું થયું પછી..? તું એની જોડે પરણી નહિ..?” “ના કેવી રીતે પરણું…મારા ઘરવાળાએ બહુ વિરોધ કર્યો… અમે બ્રાહ્મણ અને એ સુથાર….. મારા ઘરમાં તો મારી એ વાત કોઈ સ્વીકારવા તો શું સાંભળવા પણ તૈયાર ન હતું. મેં જીદ કરી એટલે મારી ઉપર ભયંકર અત્યાચાર થયા… ઘરમાંજ મને નજરબંધ કરી દીધી. એક મહિના સુધી મેં સૂર્યનો પ્રકાશ જોયો ન હતો. અરવિંદની શું દશા થઈ હશે એ તો મને ખબર જ નથી.” એટલું બોલતાં તો મધુ થાકી ગઈ…બે ક્ષણ શાંત રહી એક ઊંડો શ્વાસ લીધો. રૂપા તો એને એકી નજરે જોઈ જ રહી હતી…એનું હૈયું ભરાઈ આવ્યું પણ એણે આંસુ આવતાં ખાળ્યા. મધુએ ફરી બોલવાનું શરુ કર્યું… “એક દિવસ સવારે મારી બા એ આવીને મને કહ્યું: મધલી ઊઠ હેંડ જલદી તૈયાર થઈ જા આજે તને છોકરાવાળા જોવા આવવાના છે.” “એ મારા માટે સૌથી મોટો માનસિક આઘાત હતો…હું શું કરતી..? હું કશું બોલી નહીં. મારા માબાપ જ મારી લાગણીનો અનાદર કરતા હતા તો હું શું કરતી. એમણે કહ્યા પ્રમાણે હું તૈયાર તો થઈ ગઈ પણ મારું મન અને હૃદય બંને વિદ્રોહ કરતા હતાં….સતત એક અવાજ મારી અંદરથી મને સંભળાતો હતો….મારે કોઈને નથી જોવા ? હું મરી જઈશ પણ અરવિંદ સિવાય બીજા કોઈનું ઘર નહિ માડું.” અને હું મોકો જોઈ ને ઘરમાંથી ભાગી નીકળી….આખો દિવસ ખાધાપીધા વગર ખેતરામાં સંતાતી રહી” એટલામાં બસની ઘરઘરાટી સંભળાઈ… “રૂપી જો મારી બસ આઈ ગઈ છે એટલે હું જાઉં છું…. લે હેંડ હું જાઉં. ડ્રાયવર મને ઓળખે છે એટલે રસ્તામાંથી જ મને બેસાડી દેશે. હું જાઉં..” એટલું કહેતાં તો સડસડાટ દોડવા માંડી અને નજરથી ઓઝલ થઈ ગઈ. રૂપા ક્યાંય સુધી એ બાજુ તાકતી રહી. ધીમી ચાલે એ ગાડી પાસે આવી. અર્જુનસિંહ આરામ કરતા હતા એમને જગાડ્યા અને ગાડીમાં બેસી ગઈ…. મન ખૂબ વિક્ષુબ્ધ થઈ ગયું હતું…મધુને મળવાનો જે ઉત્સાહ હતો એ તો સાવ ઓસરી ગયો પણ મધુની કથની સાંભળીને પારાવાર વેદના થઈ આવી… એક ડૂસકું આવી ગયું… પણ ઘેર પહોંચતા પહેલાં ગાડી થોભાવી મ્હો ધોઈ લીધું, ફ્રૅશ થઈ ગઈ. ખડકી પાસે ગાડી થોભાવી અને એકદમ દોડતી ઘરમાં પહોંચી ગઈ…. જસી રસોડામાં કશુંક કરતા હતા એમને પાછળથી વળગી પડી. મોટાભઈએ એને જોઈ એટલી એ તો રૂપી રૂપી કરતા એની પાછળ દોડતા રસોડામાં આવ્યા. ઘરમાં કોઈ કશું સમજી જ શકતું નહતું કે રૂપી ક્યાંથી અચાનક આવી ચડી. રૂપાએ એના આવવાની માંડીને બધી વાત કરી. ચા-પાણી પીધાં…ફ્રૅશ થઈ ગઈ. જસી અને મોટાભઈ તો છોડીને આટલાં વર્ષે જોઈ ને ઘાંઘાં થઈ ગયા. રૂપી ખાસ કશું બોલતી નહતી એનાં ચહેરા પરની ઉદાસી જસી પારખી ગઈ. “શું થયું છે બેટા? બધું કુશળમંગળ તો છે ને..?” “હા માં, બધું બરાબર છે પણ હું તો મધુની વાત સાંભળીને દુઃખી થઈ ગઈ…” “હા.. બેટા, છોકરાં માબાપની આબરૂનો વિચાર ના કરે પછી શું થાય…? પણ તને કોણે કહ્યું ?” “હું તો ક્યારનીય અહીં આઈ ગઈ હોત પણ મને રસ્તામાં મધુ મળી ગઈ…એ બસ ચૂકી ગઈ એટલે અમે તો જઈને બેઠાં મહાદેવની પાછળ પેલા ચોતરે…. ખાસુ કલાક જેવું બેઠાં હોઈશું.. પછી એની બસ આઈ એટલે એ ગઈ…” “તું એને બસમાં બેસાડીને આઈ..?” “ના…ના બસનો અવાજ સાંભળ્યો એટલે એ તો દોડી ગઈ. ડ્રાયવર એને ઓળખતો હતો એટલે રસ્તામાંથી બેસાડી દેશે એમ કહેતી હતી..?” જસી અને મોટાભઈ એકબીજાની સામું જોતા રહ્યાં… કોઈ કશું બોલતું ન હતું..? “કેમ માં શું થયું..?” બેટા મધલીને મરી ગયે તો પાંચ વરસ થયાં… તળાવ પાસે કાદવમાં મોઢું ઘાલીને ગૂંગળઈને એણે આપઘાત કર્યો હતો…” ******* ( આ વાર્તાનું કથાવસ્તુ સત્યઘટના ઉપર આધારીત છે. સાચા પાત્રોની ઓળખ પ્રસ્થપિત નાં થાય એટલે સ્થળ કાળ અને નામો બદલ્યા છે ) વિજય ઠક્કર