ફુટબોલ : ભારતની ભવ્ય જીત, પાકિસ્તાનને 4-0થી ધોયું, સુનીલ છેત્રીની હેટ્રિક

ફુટબોલ : ભારતની ભવ્ય જીત, પાકિસ્તાનને 4-0થી ધોયું, સુનીલ છેત્રીની હેટ્રિક
Image – Twitter

ભારતીય ટીમે સૈફ ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી છે. સુનીલ છેત્રીની હેટ્રિકની મદદથી ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું છે. સુનીલ છેત્રીએ 10મી, 16મી અને 72મી મિનિટમાં ગોલ નોંધાવ્યા છે, જ્યારે ઉદાંતા કુમમે 80મી મિનિટે ગોલ નોંધાવ્યો છે. સુનીલ છેત્રીએ પ્રથમ હાફમાં 2 ગોલ કર્યા બાદ ભારતે 2-0ની લીડ મેળવી લીધી હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમના કોચનો ઈગોર સ્ટીમેક પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો. બંને ટીમના ખેલાડીઓ સામસામે આવી ગયા હતા. બીજા હાફમાં સુનીલ છેત્રીએ પેનલ્ટી પર ગોલ કર્યો અને પછી ઉદાંતાએ 80મી મિનિટે ગોલ કરતા ભારતીય ટીમે 4-0થી શાનદાર લીડ મેળવી લીધી હતી.

સુનીલ છેત્રીએ બીજા એશિયન આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારનારના રેકોર્ડની બરાબરી કરી

ભારતીય ફૂટબોલ ટીમે બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવીને SAFF ચેમ્પિયનશિપ-2023 ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીએ હેટ્રિક ગોલ નોંધાવ્યા છે. આ ગોલ સાથે સુનીલ છેત્રીએ બીજા એશિયન આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારનારના રેકોર્ડની બરાબરી કરી લીધી. જ્યારે ઉદાંતે છેલ્લી મિનિટોમાં ગોલ નોંધાવ્યો છે. આ મેચ સપ્ટેમ્બર 2018 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ ફૂટબોલ મેચ હતી. પાંચ વર્ષ પહેલા SAFF ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું હતું.

મેચમાં ભારતીય કોચ અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો

પ્રથમ હાફના અંતે ભારતીય કોચ ઈગોર સ્ટિમેક અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે પાકિસ્તાનનો અબ્દુલ્લા ઈકબાલ થ્રો-ઈન માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે ખૂબ જ અનુભવી કોચ સ્ટિમેકે દરમિયાનગીરી કરી હતી. સ્ટિમેકે ખેલાડી પાસેથી બોલને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની પાકિસ્તાની ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ દ્વારા નિંદા કરાઈ હતી. રેફરી પ્રજ્વલ છેત્રી અને અન્ય મેચ અધિકારીઓએ બંને પક્ષો વચ્ચે દરમિયાનગીરી કરવી પડી હતી. ત્યારબાદ ફૂટબોલના નિયમો અનુસાર સ્ટીમેકને ઈરાદાપૂર્વક વિરોધી ખેલાડીની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ રેડ કાર્ડ બતાવાયું હતું. ત્યારબાદ સ્ટીમેકના સ્થાને મહેશ ગવળી મેદાનમાં આવ્યો હતો.

Share: