×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ સહિત દેશના 43 શહેરોમાં ઘર ખરીદવા મોંઘા થયા, જુઓ ક્યાં કેટલો ભાવ વધ્યો

નવી દિલ્હી, તા.08 જૂન-2023, ગુરુવાર

દેશભરમાં ઘરોની કિંમતોમાં વધારો થવાનો સિલસિલો યથાવત્ છે. રાષ્ટ્રીય આવાસ બેંક (NHB) દ્વારા આજે પ્રોપર્ટી અંગેનો એક રિપોર્ટ બહાર પડાયો છે. આ રિપોર્ટ મુજબ ગત નાણાંકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 43 શહેરોમાં પ્રોપર્ટીની કિંમતોમાં વૃદ્ધિ નોંધાઈ છે. રિપોર્ટ મુજબ ભારતમાં 8 મુખ્ય હાઉસિંગ માર્કેટમાં જાન્યુઆરી-માર્ચ-2023 ક્વાર્ટર દરમિયાન પ્રોપર્ટીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઘરની કિંમતોમાં સૌથી વધુ વધારો અમદાવાદમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ બેંગ્લોર અને ચેન્નાઈનો નંબર આવે છે.

ક્યાં કેટલી વધી પ્રોપર્ટીની કિંમત

એનએચબી દ્વારા પ્રકાશિત હાઉસિંગ પ્રાઈસ ઈન્ડેક્સ (એચપીઆઈ) મુજબ, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ વાર્ષિક આધારે 10.8 ટકા, બેંગ્લોરમાં 9.4 ટકા, ચેન્નાઈમાં 6.8 ટકા, દિલ્હીમાં 1.7 ટકા, હૈદરાબાદમાં 7.9 ટકા, કોલકાતામાં 11 ટકા, મુંબઈમાં 3.1 ટકા અને પૂણે 8.2 ટકા વધ્યા છે. આ શહેરોનો હાઉસિંગ પ્રાઈસ ઈન્ડેક્સ બેંકો અને હાઉસિંગ લોન કંપનીઓ પાસેથી મળેલા વેલ્યુએશન ડેટા પર આધારિત છે. ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે તેમાં 5.8 ટકાનો વધારો થયો છે. માર્ચ 2022માં 5.3 ટકાનો વધારો થયો હતો.

7 શહેરોમાં મકાનોના ભાવમાં ઘટાડો

બેંકો અને હાઉસિંગ લોન કંપનીઓના ડેટા મુજબ સર્વેમાં સામેલ 50 શહેરોમાંથી 7 શહેરોમાં મકાનોના ભાવમાં ઘટાડો થયો છે. હોમ લોન પરના વ્યાજ દરો કોવિડ પહેલાના સમયથી પણ નીચા રહ્યા છે, જેના કારણે આ સેક્ટરમાં વૃદ્ધિ નોંધાઈ છે. RBI દ્વારા રેપો રેટમાં કોઈપણ ફેરફાર ન કરવામાં આવતા હોમ લોન લેનારાઓને રાહત થઈ છે. જો આગામી સમયમાં આરબીઆઈ વ્યાજ દરોમાં ઘટાડો કરશે તો આવનારા સમયમાં EMI ઘટશે, જેના કારણે મકાનોની માંગમાં વધારો થઈ શકે છે અને કિંમતો પણ વધી શકે છે.