×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘2000ની નોટ બદલવા ID પ્રૂફ ફરજીયાત બનાવો’ દિલ્હીની કોર્ટમાં અરજી, સોમવારે કરાશે સુનાવણી

નવી દિલ્હી, તા.27 મે-2023, શનિવાર

કોઈ પણ ઓળખ બતાવ્યા વગર દેશમાં 2000 રૂપિયાની નોટ બદલવાના રિઝર્વ બેંકના આદેશને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટ સોમવારે પોતાનો ચુકાદો સંભળાવશે. આ મામલે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે અરજી દાખલ કરી છે. ઉપાધ્યાયે પોતાની અરજીમાં કોર્ટને RBI અને SBIને રૂ.2000ની નોટો બદલવા માટે ID પ્રૂફ ફરજિયાત બનાવવાનો આદેશ આપવા વિનંતી કરી છે.

RBI કોર્ટને દંડ સાથે અરજી ફગાવી દેવાની વિનંતી કરી

આ મામલામાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેંચ સોમવારે સવારે 10:30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. PIL પર સુનાવણી બાદ કોર્ટે 23 મેએ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તો બીજી તરફ અરજીનો વિરોધ કરીને રિઝર્વ બેંકે કોર્ટને દંડ સાથે અરજી ફગાવી દેવાની વિનંતી કરી હતી. રિઝર્વ બેંકે કહ્યું કે, આ આર્થિક નીતિનો મામલો છે. કોર્ટના અગાઉના નિર્ણયો છે કે કોર્ટ આર્થિક નીતિના મામલામાં હસ્તક્ષેપ નહીં કરે.

2000ની નોટો બદલવા માટે 4 મહિનાનો સમય

ઉલ્લેખનિય છે કે, ભારતીય રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી હેઠળ તાજેતરમાં જ 2000 રૂપિયાની નોટોનો પરત લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તમામ બેંકોને 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવા માટે ચાર મહિનાનો (30 સપ્ટેમ્બર સુધી) સમય અપાયો છે. તમે એકવારમાં 2000ની 10 નોટો એટલે કે 20 હજાર રૂપિયા સુધીની નોટોને અન્ય નોટોમાં બદલાવી શકો છો. RBI ગવર્નર શક્તિકાંત દાસે 24 મેના રોજ વિશ્વાસ આપ્યો છે કે, રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા કોઈપણ અડચણ વિના પૂર્ણ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્થિતિ પર કેન્દ્રીય બેંક સતત નજર રાખી રહી છે. રિઝર્વ બેંકે કરન્સી મેનેજમેન્ટ હેઠળ રૂ.2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.