×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીને હાલ ગુજરાત હાઈકોર્ટથી કોઈ રાહત નહીં, હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો



અમદાવાદઃ મોદી સરનેમને લઈને બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને હાલ કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટે ઓર્ડર સુરક્ષિત રાખતાં વેકેશન બાદ ઓર્ડર આવી શકે છે. આજે કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી. બીજી તરફ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંધવીએ પણ જુદા જુદા કેસના ચુકાદાઓ ટાંકીને દલીલો કરી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે, વડાપ્રધાનની અટક 'મોદી' છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે પણ તે આ ફરિયાદ કે કેસનો કન્સેપ્ટ નથી. મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિ જ થઈ. 

બંને પક્ષની દલીલો કોર્ટમાં પૂર્ણ થઈ
પૂર્ણેશ મોદીના વકીલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી; દેશના પૈસા લૂંટે છે. નીરવ મોદી અને લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસી પણ પૈસા લઈને ભાગી ગયા છે. 30 હજાર કરોડ લોકોના લૂંટી લીધા. વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હું ગાંધી છું, સાવરકર નહીં, ગાંધી માફી માંગશે નહીં. હું જેલ, ડિસ્ક્વોલિફિકેશનથી ડરતો નથી. તમે જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોવ તો પછી અહીં આવવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. રાહુલ પબ્લિકમાં માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે તમે જાહેરમાં કહો છો કે બધા મોદી ચોર છે ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે તમે વડાપ્રધાનને બદનામ કરો છો.

દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈએ ફરિયાદ કરી નહિ
ગત સુનાવણીમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકિલ અભિષેક મનુ સિંધવીએ દલીલ કરી હતી. તેમણે દલિલ કરતાં કહ્યું હતું કે, આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ. નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી લેવાયું તેમણે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણયને કેવી રીતે પરત ખેંચાવી શકશે.નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા રજૂઆત કરી હતી અને દલીલ કરી હતી કે દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈએ ફરિયાદ કરી નહિ. 

ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ
ગત સુનાવણીમાં હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ હતા. જેમાં વોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને. પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી. CD રજૂ કરાઈ તેની પણ રોચક કહાની છે. 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો. 2021માં અચાનક સીડી રજૂ કરાઈ. યાજી નામના વ્યક્તિ કે જેમણે પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. યાજીનું નામ ફરિયાદમાં પણ નથી અને 2 વર્ષ પછી પ્રકટ થયા. ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ.સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.