×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મૌનના પડઘા – લેખક: રાજુલ કૌશિક

એકલતા એટલે..
ભડકા વગરનો ધુમાડો
ઓરડાની દીવાલો પર લીંપાયેલો,
દેખાય નહીં પણ પળે પળે હાજરી પૂરાવે,
એકલતા એટલે…
ગયેલી લીલીછમ યાદોનો ડૂમો
મૌન રહેતી, ન સંભળાતી બૂમો,
ડૂમો તો ડૂસકે ડૂસકે વરસે..
પણ બૂમો
એ તો બોલાશના પડઘાને તરસે..
આજે અનાયાસે અરુણા ચોકસીનું આ કાવ્ય વાંચવામાં આવ્યું. વિચાર આવ્યો કે શબ્દોમાં હકિકતનું આટલું સચોટ બયાન પણ થઈ શકે છે અને યાદ આવી એ સાંજ.
સાવ કૃશકાયા, ચહેરા પરની ઉજ્જડતા જોઈને એકાદ ક્ષણ તો હું નીલમને ઓળખી જ ના શકી. કેટલાં વર્ષો પછી અમે મળી રહ્યાં હતાં!
સોસાયટીમાં સામે જ સુબોધભાઈ અને વીણાબહેનનો બંગલો. એમનો એક માત્ર દીકરો પરાગ. પરાગને પરણીને આવી ત્યારની નીલમ અને આજે જોઈ રહી છું એ આજની નીલમ જાણે સાવ અલગ. એનાં ચહેરા પર અને શરીર પર કાળના થપેડાએ જાણે અનેક ચાસ પાડી દીધા હતા.
એ સમયની નીલમનાં લાંબા રેશમી વાળ અને સ્મિત મઢ્યા ગોરા ચહેરા પરની સુકોમળતા પર જોનારની નજર એકાદ ક્ષણ ન અટકે તો જ નવાઈ. એથી વિશેષ એની સહજ, સરળ પ્રકૃતિ મને સ્પર્શી ગઈ હતી. સાવ અલ્પ સમયમાં અમારી વચ્ચે ગાઢી દોસ્તી થઈ ગઈ.
“અનુ…” નીલમના અવાજે મારી સ્તબ્ધતામાં છેદ પાડ્યો. અવાજ તો એનો જ હતો પણ એ અવાજનું બોદાપણું મને વાગ્યું.
“નીલમ… તું? આઘાતને લીધે માત્ર એટલું જ બોલી શકાયું.
કોઈ કારણ વગર પણ ખડખડાટ હસી પડતી નીલમના ચહેરા પર સહેજ સ્મિતની લહેર આવી ન આવી અને વિલાઈ ગઈ.
પરાગને પરણીને નીલમ આવી ત્યારથી એ પાંચ વર્ષનો સમય તો પલકારામાં પૂરો થઈ ગયો હતો. પરાગ અને સુબોધભાઈ, વીણાબહેન પ્રમાણમાં શાંત કહી શકાય એવી પ્રકૃતિનાં પણ, નીલમે આવીને એનાં ખળખળ વહેતાં ઝરણાં જેવાં હાસ્યથી ઘરને રણઝણતું કરી દીધું. ક્યારેક પરાગ અને એ બંને એકલાં તો ક્યારેક સુબોધભાઈ, વીણાબહેન સાથે એ ક્યાંક ને ક્યાંક જવાનો પ્રોગામ કરતી. ક્યારેક સુબોધભાઈ, વીણાબહેનને પિક્ચર જોવા તો ક્યારેક કથા-સત્સંગમાં લઈ જતી. નીલમની હાજરીથી એમનું ઘર તો રણકતું હોય જ પણ એમની ખુશી, એમનાં આનંદનો રણકો અમારા ઘર સુધી સંભળાતો.
આવાં સરસ મઝાનાં પાંચ વર્ષ તો પલકારામાં પસાર થઈ ગયાં. નીલમે દીકરાને જન્મ આપ્યો. સુબોધભાઈ- વીણાબહેને સોસાયટીમાં, સગાસંબંધીઓમાં પેંડા વહેંચ્યા. દીકરો પ્રમાણમાં શાંત હતો એટલે નામ આપ્યું નીરવ.
દીકરો શાંત હતો પણ, ઘર તો હતું એનાથી વધુ રણકતું થઈ ગયું. ક્યારેક હાલરડાં અવાજ તો ક્યારેક ઘૂઘરાનો. સવારે ‘જાગને જાદવા’ તો રાત પડે ‘દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે,’નાં મીઠ્ઠા સૂરથી ઘર ગુંજતું રહેતું.
એકાદ મહિનો તો મઝાથી પસાર થઈ ગયો. નીલમ અને પરાગ તો પોતાની મસ્તીમાં હતાં પણ, વીણાબહેનને નીરવની પ્રકૃતિમાં કશુંક ખૂટતું હોય એવું લાગતું. મનમાં ઊભો થયેલો ભય વીણાબહેનને થોડો કનડવા લાગ્યો. એકાદ વાર તો એમણે સુબોધભાઈનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો. જો કે, સુબોધભાઈને વીણાબહેનની વાતમાં વજૂદ ન લાગ્યું. નીરવ એની આસપાસ થતાં હલનચનલ તરફ નજર માંડતો પણ અવાજનો અણસાર જાણે એને પહોંચતો જ નહોતો.
બીજા મહિને ચાઇલ્ડ સ્પેશલિસ્ટની મુલાકાત દરમ્યાન વીણાબહેનનો ભય સાચો ઠર્યો. નીરવની શ્રવણેંન્દ્રિયમાં ખામી હતી. એ સાંભળી શકતો નહોતો. સાંભળી શકતો નહોતો એટલે પૂરી શક્યતા હતી કે બોલી પણ નહીં શકે.
વીજળીનો કડાકો કેવો હોય એ તો કોઈએ જોયો હોય પણ, વીજળી પડે ત્યારે શું હાલ થાય એ તો જેની પર પડે એને જોઈને સમજાય. આ પરિવાર પર વીજળી ત્રાટકી હતી, જેનાં લીધે નીરવની જેમ બાકીના ચારે જણાં મૂક-બધિર થઈ ગયાં.
એ પછીનો સમય સૌ માટે વસમો હતો. આ એક ઘા ઓછો હોય એમ બીજા છ મહિનામાં જ સુબોધભાઈનું અવસાન થયું. ન કોઈ પીડા, ન કોઈ આગોતરી જાણકારી અને રાત્રે ઊંઘમાં જ એ ચાલી નીકળ્યાં.
અઢી વર્ષના નીરવની સાથે નીલમનું પણ જાણે મૂક-બધિરની શાળામાં શીક્ષણ શરૂ થયું. નીરવ સાથે વાત કરવા, એની વાત સમજવા નીલમે પણ સાઇન લૅન્ગ્વેજ શીખવા માંડી. સતત સૌને સમય આપતી, સૌની સાથે રહેતી નીલમ માત્ર નીરવ માટે સમય આપવા માંડી. નીરવને ભણાવવાનો સઘળો ભાર એના પર હતો. વીણાબહેન અને પરાગ નીલમનો ટેકો બની રહ્યાં પણ, ઈશ્વરે નીલમની કસોટી કરવા નિર્ધાર્યું હોય એમ નીલમના એક પછી એક ટેકા ખેંચવા માંડ્યાં.
નીરવની પંદર વર્ષની ઉંમરે વીણાબહેનનું અલ્પ સમયની માંદગીમાં અવસાન થયું. બીજાં બે વર્ષ અને સ્ટ્રોકના લીધે પૅરાલિસિસથી પરાગનું ડાબું અંગ ખોટું પડી ગયું. પરાગે લાંબી પથારી પકડી. નીરવની પ્રગતિ અને પરાગની સ્થગિતતા વચ્ચે તાલમેલ મેળવવા નીલમ હાંફી જાય એટલી હદે દોડતી રહી.
આવક બંધ થતાં બંગલો વેચીને નીલમે બે બેડરૂમનો ફ્લેટ લઈ લીધો ત્યાં સુધીની હું સાક્ષી. પરાગની દિવસે દિવસે કથળતી હાલતનાં કોઈ સાક્ષી બને એ નીલમને મંજૂર નહોતું. પોતાનાં માટે કોઈ સહાનુભૂતિ દાખવે એ પણ એને મંજૂર નહોતું એટલે એ પછી નીલમ સાથે માત્ર ફોન પર વાત થતી.
બીજાં ત્રણ વર્ષે પરાગે અંતિમ શ્વાસ લીધો.
“ભીંત જોઈને ભગવાન ભાર મૂકે છે, એવું સાંભળ્યું છે ને અનુ? ભગવાનને આ ભીંત પર ભારે ભરોસો લાગે છે એટલે ભાર મૂક્યા જ કરે છે.” પરાગના અવસાન સમયે નીલમને મળવા ગઈ ત્યારે એ માત્ર આટલું જ બોલી હતી.
પરણીને આવી એ પછી પાંચ વર્ષનો સમય ખરેખર ખૂબ સુંદર હતો. સતત સાથે રહેતો પરિવાર આજે વીખરાઈ ગયો હતો.
સદા સૌને મળવા તત્પર રહેતી નીલમને હવે કોઈને મળવામાં, કોઈની સાથે ભળવામાં રસ રહ્યો નહોતો. હરી ફરીને નીલમના નસીબને કોઈ દોષ દેતું એ વાત એનાં માટે અસહ્ય બનતી. ધીમે ધીમે એણે પોતાની જાતને એક કોચલામાં સીમિત કરવા માંડી હતી.
એ નીલમ આજે બીજા દસ વર્ષે મળી. એની સાથે નાનકડી ઢીંગલી જેવી લાગતી ચાર વર્ષની છોકરી હતી. ઘડીક હું એને જોઈ રહી. ચહેરા પરની રેખાઓમાં કોઈક જાણીતો અણસાર આવતો હતો.
“નીરવ જેવી લાગે છે ને? “મને અવઢવમાં જોઈને નીલમ બોલી.
“હા રે, એકદમ નીરવ જેવી.” હું એકદમ ખુશ થઈ ગઈ.
“નીરવ અને મેઘનાની દીકરી છે, ધ્વનિ નામ રાખ્યું છે એનું.”
“એટલે, નીરવને પરણાવ્યો, અને મેઘના?” ઉતાવળે હું કંઈક પૂછવા તો ગઈ પણ, મારી જાતને રોકી લીધી.
“હા, અનુ, નીરવ એની જ સંસ્થામાં સાથે કામ કરતી મેઘના સાથે પરણ્યો છે. તારે બધું અહીં ઊભાં ઊભાં જ જાણી લેવું છે કે શાંતિથી બેસવાનો સમય છે?”
કેટલાય સમયે આજે નીલમ મળી હતી. રસ્તો ક્રોસ કરીને અમે સામેના પાર્કમાં જઈને બેઠાં. ધ્વનિ હીંચકા, લપસણી પર રમવા દોડી ગઈ.
નીલમે જે વાત કરી એ પછી અમારી વચ્ચે થોડી ક્ષણો મૌનનું આવરણ છવાયું.
નીરવ અને મેઘનાનાં લગ્ન પછી ધ્વનિનો જન્મ થયો ત્યારથી ધ્વનિ બોલતી થઈ ત્યાં સુધી નીલમે સતત ઉચાટમાં દિવસો પસાર કર્યા. શરૂઆતનો સમય તો એકદમ કપરો હતો. રાત્રે ધ્વનિ રડે અને ગાઢ નિંદ્રામાં સૂતેલાં નીરવ અને મેઘનાને સંભળાય નહીં. નીલમ એમના રૂમનાં બારણાં ખખડાવે પણ એ ખખડાટ એળે જ જાય. છેવટે નીરવના રૂમમાં ફ્લેશિંગ લાઇટ મૂકી, જેની સ્વીચ બારણાં બહાર મૂકી. નીલમ લાઇટ ચાલુ-બંધ,ચાલુ-બંધ કરે અને એમ કરીને બંનેને ઊઠાડે. એ પછી તો ધ્વનિને બોટલનાં દૂધ પર ચઢાવીને નીલમે રાત્રે પોતાનાં રૂમમાં ઉંઘાડવા માંડી.
“સાચું કહું છું અનુ, ધ્વનિ નામ રાખવાનું મેં જ કહ્યું હતું. નીરવ નામ રાખીને ઘરમાં જે નીરવતાનો સામનો કર્યો છે એનો ફડકો મનમાં હતો જ. મેઘના આવી એ પછી તો ઘર વધુ શાંત લાગવા માંડ્યું. સાઇન લૅંગ્વેજમાં અમારું કામ ચાલી જતું. એ બંને નોકરી પર જાય ત્યારે હું એકલી એકલી રડી પડતી છતાં, બંનેની હાજરીમાં એમનાં મૌનને અતિ સહજતાથી લેવા મથતી. ‘જેવી ઈશ્વરની મરજી’ એમ સ્વીકારીને ખુશહાલ રહેવા મથતી. મેઘના બહુ ડાહી છે. એ મારી એકલતા સમજે છે, એ ભાર પોતે ઓછો કરી શકવાની નથી એ પણ સમજે છે.
“ધ્વનિ પહેલી વાર જ્યારે ‘મા’ બોલી ત્યારે જગતજનની મા આગળ પાલવ પાથરીને એમનો આભાર માનતાં હું રડી પડી હતી.
“ક્યારેય ઈશ્વર સામે ફરિયાદ નથી કરી કે, મારી સાથે જ કેમ આમ છતાં ક્યારેક થાય છે કે ક્યાં સુધી આમ? પરાગને પૅરાલિસિસનો અટૅક આવ્યો અને એમનું બોલવાનું બંધ થઈ ગયું એ પછી ક્યારેક મને થતું કે, હું બોલવાનું ભૂલી તો નહીં જઉં ને? ધ્વનિ બોલતી થઈ એ પછી જાણે મારી વાચા પાછી મળી. અઢી વર્ષ ક્યાં પસાર થઈ ગયાં એ ખબર ના પડી. ઘણી જવાબદારીઓ માથે આવી છે પણ ધ્વનિની જવાબદારીને લઈને હું ફરી જીવી રહી છું એવું લાગ્યું.
“અઢી વર્ષે એને સ્કૂલે મૂકી. જ્યારે એ સ્કૂલે હોય ત્યારે ફરી ઘર સૂનકારથી ભરાઈ જાય છે. હેં અનુ, સૂનકારથી કશું ભરાતું હશે ખરું? …હા ભરાતું જ હશે….મારું ઘર અને જીવન પણ સૂનકારથી ભરેલાં જ તો…”
નીલમ ક્યાંક ખોવાઈ ગઈ હતી. ઊંડા વિચારોમાં ગરકાવ એવી એ અટકી અટકીને બે વાક્ય વચ્ચે એ શું વિચારતી હશે?
“અનુ, પરાગના ગયા પછી હું થોડી ભાંગી પડી હતી. ભલે પથારીમાં હતા પણ, માથે છત્ર તો હતું. એવું થતું કે હવે હું શું કરીશ પણ, ફરી મારી જાતને ખડકની જેમ ટટ્ટાર કરી. અંદરથી મન કહેતું હતું કે નીલમ, આમ ભાંગી પડે નહીં ચાલે, હજુ કોઈ જવાબદારી છે તારા માથે.”
એટલામાં નીલમની રણઝણતી જવાબદારી સમી ધ્વનિ દોડતી આવીને એને વળગી પડી.
“મા…મઝા પડી ગઈ મને. ફરી આપણે મમ્મા-ડૅડાની સાથે આવીશું?”
હું નીલમ સામે જોઈ રહી.
“ધ્વનિને પણ સાઇન લૅંગ્વેજ શીખવવાનું શરૂ કર્યું છે. હું હોઉં કે નહીં, એણે જ તો નીરવ અને મેઘના સાથે મોટા થવાનું છે ને! કહીને પોતાનાં મનોબળને ધ્વનિનો ટેકો ના મળવાનો હોય એમ નીલમ હળવેથી ધ્વનિનો હાથ થામીને ચાલી નીકળી.
વાર્તાલેખનઃ રાજુલ કૌશિક