સત્તામાં આવીશું તો રાહુલ ગાંધીને સજા આપનારા જજની જીભ કાપી નાખીશું, કોંગ્રેસ નેતાની ચેતવણી

સત્તામાં આવીશું તો રાહુલ ગાંધીને સજા આપનારા જજની જીભ કાપી નાખીશું, કોંગ્રેસ નેતાની ચેતવણી

image : Twitter

તમિલનાડુમાં કોંગ્રેસના એક નેતાએ પાર્ટીના સત્તામાં આવતા રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા સંભળાવનારા જજની જીભ કાપી નાખવાની ધમકી આપી છે. કોંગ્રેસ નેતાએ તેમના નિવેદનમાં કહ્યું કે 2019ના ગુનાઈત માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જે જજે બે વર્ષની સજા કરી છે તેની જીભ કાપી લઈશું. તેમની સામે કેસ દાખલ કરીશું. 

મણિકનંદન સામે કેસ દાખલ 

કોંગ્રેસની એસસી/એસટી વિંગ તમિલનાડુના ડિંડીગુલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અયોગ્યતાનો વિરોધ કરી રહી હતી. આ દરમિયાન પાર્ટીના જિલ્લા પ્રમુખ મણિકનંદને કહ્યું કે 23 માર્ચે સુરતની કોર્ટના જજે અમારા નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી. સાંભળી લો જસ્ટિસ એચ.વર્મા જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે તમારી જીભ કાપી નાખીશું. મણિકનંદનની આ ટિપ્પણી બદલ તેમની સામે 3 કલમ હેઠળ કેસ દાખલ કરાયો છે અને ડિંડીગુલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. 

13 એપ્રિલે સુનાવણી થવાની છે 

ઉલ્લેખનીય છે કે ગત મહિને મોદી અટક અંગે ટિપ્પણી કરવા મામલે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા કરી હતી. જેના પગલે તેમનું સાંસદ પદ છીનવાઈ ગયું હતું. આ મામલાને સેશન કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને હવે તેના પર આગામી 13 એપ્રિલે વધુ સુનાવણી થવાની છે. 

Share: