વંદે ભારત ટ્રેન અંગે રેલવેનો મોટો નિર્ણય : ઓક્યુપન્સી રેટના કારણે દોડાવશે નાની ટ્રેનો, જાણો કેટલા કોચ હશે?

વંદે ભારત ટ્રેન અંગે રેલવેનો મોટો નિર્ણય : ઓક્યુપન્સી રેટના કારણે દોડાવશે નાની ટ્રેનો, જાણો કેટલા કોચ હશે?

નવી દિલ્હી, તા.07 એપ્રિલ-2023, શુક્રવાર

સેમી હાઈ સ્પીડ ટ્રેન એટલે કે વંદે ભારત ટ્રેન લોકોને ખુબ પસંદ આવી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં વંદે ભારત ટ્રેનો દોડાવાઈ રહી છે. હાલ 16 કોચની વંદે ભારત ટ્રેનો દોડાવાઈ રહી છે. હવે ભારતીય રેલ્વે ઓછા કોચ એટલે કે 8 કોચ સાથે વંદે ભારતનું સંચાલન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવી પહેલી ટ્રેન આ મહિને દોડાવાશે. ઓછા કોચ ધરાવતી વંદે ભારત ટ્રેન દેશની પહેલી વંદે ભારત ટ્રેન હશે. જોકે હજુ સુધી આ ટ્રેનનો રૂટ નક્કી કરાયો નથી. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર રૂટ પણ ટૂંક સમયમાં નક્કી થઈ જશે.

ઓછો ઓક્યુપન્સી રેટ ધરાવતા રૂટો પર 8 કોચની ટ્રેનો દોડાવાશે

હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં 10 વંદે ભારત ટ્રેનો દોડાવાઈ રહી છે. આમાંના ઘણા રૂટ પર ચાલતી ટ્રેનોમાં ઓક્યુપન્સી રેટ 100 ટકાથી ઉપર જઈ રહ્યો છે અને કેટલાકમાં તે 100 ટકાની નજીક છે. તો કેટલાક રૂટો પર ઓક્યુપન્સી રેટ ઓછો છે. એટલે કે ટ્રેન અન્ય રૂટના મુકાબલે ખાલી ચાલી રહી છે, જેના કારણે આવા રૂટ પર ઓછા કોચવાળી વંદે ભારત દોડાવવામાં આવે તેવી શક્યતા છે. આ નિર્ણયથી રેલ્વેની નુકસાન નહીં થાય અને સંબંધિત રૂટ પર મુસાફરોને વંદે ભારત ટ્રેનની સુવિધા પણ મળતી રહેશે.

આ 3 રૂટો પર મુસાફરોની સંખ્યા વધુ

હાલ મુંબઈથી ગાંધીનગર, દિલ્હીથી કટરા અને દિલ્હીથી વારાણસી વંદે ભારત ટ્રેનોના રૂટમાં મુસાફરોની સંખ્યા વધુ છે, જ્યારે નવી દિલ્હીથી અંદૌરા અને બિલાસપુરથી નાગપુર સુધીના રૂટમાં ઓક્યુપન્સી રેટ ખૂબ ઓછા છે. આવા રૂટ પર વંદે ભારત ચલાવીને રેલવેને નુકસાન થઈ રહ્યું છે. આવા રૂટ પર 8 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવે તેવી શક્યતા છે.

આવતીકાલે વધુ બે વંદે ભારત ટ્રેનો શરૂ કરાશે

આવતીકાલથી બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સિકંદરાબાદ-તિરુપતિ અને ચેન્નાઈ-કોઈમ્બતુર વચ્ચે દોડાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર,  8 એપ્રિલના રોજ બંને ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. બે નવી ટ્રેનોના શરૂ કરાયા બાદ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા વધીને 13 થઈ જશે.

Share: