×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેલંગાણામાં ભાજપના અધ્યક્ષ બંદી સંજય કુમારની ધરપકડ, પોલીસે મોડી રાતે કરી કાર્યવાહી, કારણ અકબંધ

image : Twitter


તેલંગાણા ભાજપના અધ્યક્ષ બંદી સંજય કુમારને મંગળવાર-બુધવાર (એપ્રિલ 4-5) ની મધ્યરાત્રે તેમના કરીમનગર નિવાસસ્થાનથી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. તેલંગાણા ભાજપના વડાને એવા સમયે અટકાયતમાં લેવામાં આવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ પછી 8 એપ્રિલે રાજ્યની મુલાકાતે આવવાના છે. અહેવાલ મુજબ પોલીસ મોડી રાત્રે કરીમનગર સ્થિત બંદી સંજયના ઘરે પહોંચી અને તેમને કસ્ટડીમાં લીધા.

કાર્યકરોએ હોબાળો મચાવ્યો 

બંદી સંજયને કસ્ટડીમાં લેતી સમયે ભાજપના નેતાના સમર્થકો અને કાર્યકરોએ પોલીસને રોકવાનો પ્રયાસ કરતાં તંગદિલી સર્જાઈ હતી. પોલીસે બંદી સંજયને ઝડપી લીધા અને તેમને વાનમાં બેસાડી દીધા હતા. અહેવાલો અનુસાર, ભાજપ નેતાને નાલગોંડા જિલ્લાના બોમ્માલા રામારામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી અટકાયત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

ભાજપે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

ભાજપે બંદી સંજય કુમારની ધરપકડના વિરોધમાં આંદોલનની ચેતવણી આપી છે. પાર્ટીના રાજ્ય એકમના મહાસચિવ પ્રમેન્દર રેડ્ડીએ કહ્યું કે, ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ બંદી સંજયની પોલીસે અડધી રાત્રે ધરપકડ કરી હતી. રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે તે માત્ર તેલંગાણામાં પીએમ મોદીના કાર્યક્રમમાં અવરોધ લાવવાનો પ્રયાસ હતો. આખરે બંદી ક્યાં ભાગી જવાના હતા. તેમણે સવારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવી જોઈતી હતી.

રાજ્યભરમાં દેખાવોનું એલાન

રેડ્ડીએ પ્રશ્ન કર્યો હતો કે, "સંસદના સભ્ય સામે અડધી રાતે આ કાર્યવાહી કરવાની શું જરૂર હતી? ગુનો શું છે અને કેસ શું છે? તેઓ અમને કંઈ કહી રહ્યા નથી. તે માત્ર એટલા માટે છે કે તેઓ પેપર લીક કેસમાં રાજ્ય સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. આ લોકશાહીની વિરુદ્ધ છે." તેલંગાણા ભાજપના નેતાઓએ બંદી સંજયની અટકાયત સામે રાજ્યવ્યાપી વિરોધ શરૂ કરવાનું આહ્વાન કર્યું છે. રેડ્ડીએ કહ્યું કે, પોલીસની આ કાર્યવાહી સામે અમે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે તેલંગાણા પહોંચશે. તેઓ સિકંદરાબાદથી તિરુપતિ સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવવાની સાથે અહીં વિવિધ વિકાસ યોજનાઓ શરૂ કરશે.