×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને આવતીકાલે પડકારશે, 2 વર્ષની સજા થતા સાંસદ પદ ગુમાવ્યું હતું

Image : Twitter

અમદાવાદ, 02 એપ્રિલ 2023, રવિવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા હતા. કોર્ટના ચૂકાદા બાદ રાહુલ ગાંધીને જામીન પણ મળી ગયા હતા. જો કે કોર્ટે આપેલા ચૂકાદાના 24 કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. આ કેસમાં હવે રાહુલ ગાંધી આવતીકાલે ઉપલી કોર્ટમાં નિર્ણયને પડકારશે. કોર્ટ તરફથી રાહુલ ગાંધીને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આવતીકાલે ફરી એકવાર સુરત આવશે અને માનહાનિ કેસમાં ઉપલી કોર્ટમાં અરજી કરશે. નીચલી કોર્ટના ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે. 

સુરત કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા હતા. સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. આ દરમિયાન સુરતની કોર્ટમાં જ જામીન અરજી દાખલ કરી હતી. તેમના જામીન મંજૂર કરાયા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મેરા ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.

ભાજપના ધારાસભ્યે કેસ દાખલ કર્યો હતો

ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.

શું હતો મામલો?

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.