બનાસકાંઠા, કચ્છ અને અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, પાકને ભારે નુકસાન થવાની ભીતિ

બનાસકાંઠા, કચ્છ અને અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, પાકને ભારે નુકસાન થવાની ભીતિ

અમદાવાદ, 30 માર્ચ 2023, ગુરુવાર

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી પ્રમાણે આજે સવારથી જ રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે આજે બનાસકાંઠા ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કચ્છ, અંબાજી, ડીસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યા હતા.

ભરઉનાળે અષાઢ જેવો માહોલ જોવા મળ્યો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેમા ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે બનાસકાંઠા, અંબાજી અને કચ્છ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા અંબાજીમાં અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત બનાસકાંઠામાં ભારે પવન સાથે મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આજે ભરઉનાળે અષાઢ જેવો માહોલ જોવા મળ્યો હતો. અનેક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

કચ્છ, અંબાજી અને ડિસામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો

આજે કચ્છ અને ડિસામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂકાવાનો શરુ થયો હતો. કચ્છમાં ભચાઉ તાલુકાના અનેક ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો જ્યારે ડિસામાં અને અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ડિસામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે અંબાજીમાં ભયંકર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે પડેલા વરસાદના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ છે. કચ્છમાં વરસાદને કારણે ઘઉં, એરંડા અને ઈસબગૂલ જેવા પાકને નુકસાન થયાનુ અનુમાન છે. 

Share: