×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, અમૃતપાલ સાથે કનેક્શન

લંડન, તા.21 માર્ચ-2023, મંગળવાર

19 માર્ચે ખાલિસ્તાની બદમાશોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હાઈ કમિશનની બહાર ભારે હોબાળો થયો હતો અને અહીં ભારતીય તિરંગાનું અપમાન કરાયું હતું. ખાલિસ્તાનીઓએ ભારતીય તિરંગાની જગ્યાએ પોતાનો પીળા રંગનો ધ્વજ લગાવી દીધો હતો. અહેવાલો મુજબ, આ સમગ્ર ઘટના પાછળ અવતાર સિંહ ખાંડાનો હાથ છે અને આ મામલે લંડન પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ખાંડાએ હાઈ કમિશનના પહેલા માળે લગાવેલા ભારતીય ત્રિરંગો નિકાળી નીચે ફેંકી દીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે, ખાંડાએ જ વારિસ પંજાબ-દેના ચીફ અમૃતપાલ સિંહને ટ્રેનિંગ આપી હતી, જેની તપાસમાં પોલીસ આમ-તેમ દોડી રહી છે. અવતાર સિંહ ખાંડા ખૂબ જ ખતરનાક છે. અવતાર ખાલિસ્તાની લિબરેશન ફોર્સ સાથે સંકળાયેલા કુલવંત સિંહ ખુખરાનાનો પુત્ર છે.

બહુ ખતરનાક છે ખાંડા

સૂત્રોનું માનીએ તો ખાંડા અમૃતપાલનો હેન્ડલર છે અને તેણે અમૃતપાલને મિશન ખાલિસ્તાન માટે ટ્રેનિંગ આપી છે. રવિવારે એક ખતરનાક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ખાલિસ્તાન ઝિંદાબાદના સૂત્રો સાથે કેટલાક લોકો હાઈ કમિશનના પહેલા માળે પહોંચી જાય છે, આમાંથી એક વ્યક્તિ ભારતીય તિરંગાને ઉતારીને નીચે ફેંકી દે છે. અવતાર સિંહ ખાંડાનું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે કનેક્શન હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ખાંડા પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પરમજીત સિંહ પમ્માનો નજીકનો છે. પમ્મા શીખ યુવાનોને ઉગ્રવાદમાં તાલીમ આપવા માટે ઘણીવાર ક્લાસનું આયોજન કરે છે. 

બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ કર્યું હતું તિરંગાનું અપમાન

બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર લહેરાવાયેલો તિરંગો ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. તિરંગાના આ અપમાનની ઘટના એવા સમયે બની હતી જ્યારે પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસે ભારતમાં કાર્યવાહી કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતમાં બ્રિટનના કમિશનરે આ મામલે ટ્વિટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી. 

આ મામલે વિદેશ મંત્રાલયે માગ્યો હતો જવાબ

વિદેશ મંત્રાલયે કડક ભાષામાં બ્રિટનના રાજદ્વારી પાસે આ મામલે જવાબ માગ્યો હતો. તેમને સવાલ કરાયો હતો કે શું ત્યાંની બ્રિટિશ સિક્યોરિટી આ હુમલા સમયે શું કરી રહી હતી? વિયેના કન્વેન્શન અનુસાર સુરક્ષા બ્રિટનની જવાબદારી છે. આ પ્રકારની બેદરકારી સાંખી લેવાય તેમ નથી. આશા છે કે બ્રિટિશ સરકાર એ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે. 

ભારતીય હાઈ કમિશને કરી આકરી ટીકા

આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈકમિશન એલેક્સ એલિસે ટ્વિટ કરીને ભાગલાવાદીઓની આ હરકતની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હું લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં લોકો વિરુદ્ધ પરિસરમાં કરાયેલા શરમજનક કૃત્યની આકરી ટીકા કરું છું. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.