વિધાનસભામાં ભાજપના ધારાસભ્યએ સી પ્લેનને યાદ કર્યું, સરકારે કહ્યું ટુંક સમયમાં શરૂ થઈ જશે

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યએ સી પ્લેનને યાદ કર્યું, સરકારે કહ્યું ટુંક સમયમાં શરૂ થઈ જશે

ગાંધીનગર, 10 માર્ચ 2023 શુક્રવાર

ગુજરાત વિધાનસભામાં અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી સી પ્લેન સેવાનો મુદ્દો ગાજ્યો હતો. અમદાવાદની અસારવા બેઠકના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ ગૃહમાં સરકારને સી પ્લેન સેવાને લઈ સવાલ કર્યો હતો. તેમના સવાલને લઈને ગૃહમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, સી પ્લેન શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરીથી આ સેવા શરૂ કરી દેવાશે. અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ થશે. 

માલદીવ મેન્ટેનેન્સ માટે ગયું એ ગયું
31 ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન મોદીએ કેવડિયાથી અમદાવાદ પહોંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન સેવા શરૂ કરી હતી. જે શરૂઆતમાં 10 દિવસ ચાલ્યું અને એક મહિનાના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું છે.સુરક્ષાકર્મીઓ બેસી રહ્યા છે.સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું ને હજી પરત ફર્યું નથી અને ક્યારે પરત આવશે તે પણ એક સવાલ છે.

પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ખાતરી આપી હતી
અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી. આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે એવું પણ કહ્યું હતું. 

Share: