×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હનુમાનજી સાથે વાતોનો દાવો કરનાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કોરોના વિશે પૂછ્યું જ નહીં તો કેવી રીતે સમાધાન આપું

નવી દિલ્હી, તા .21 જાન્યુઆરી , 2023 શનિવાર

21મી સદીના આજના યુગમાં જ્યારે આધુનિકરણ અને ટેક્નોલોજીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે લોકો હવે અંધશ્રદ્ધાથી બહાર આવવા લાગ્યા છે. આસારામ બાપુ, ડેરા સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમ, બાબા નિત્યાનંદ જેવા અનેક બાબાઓ ઉઘાડા પડી ગયા બાદ હવે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ચર્ચામાં છે.  

ભવિષ્યની ઘટનાઓ વિશે કેમ જણાવતા નથી? તે અંગે એક ઈન્ટરવ્યૂમાં જાણો શું કહ્યું... 
જ્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે તમે ઘણા લોકોને મદદ કરી હશે. તમે તેમને બચાવ્યા જ હશે, પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે શું તમે એવું કોઈ કામ કર્યું છે જેનાથી દેશને ફાયદો થયો હોય? એટલે કે, તમે પહેલેથી જ કહી દીધું હોય કે કોરોના મહામારી ત્રાટકવાની છે? કે પછી આતંકવાદી હુમલો થવાનો છે? જ્યારે તમે એક વ્યક્તિને સાજા કરવાની વાત કરો છો, ત્યારે શું તમે દેશ માટે પણ આવું જ કરી શકો છો? આ પ્રશ્નના જવાબમાં છટકબારી કરતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હું ન તો ભવિષ્ય જણાવું છું કે ન તો જ્યોતિષ છું.  

ચમત્કાર સાબિત કરવા કહ્યું તો કથા અધવચ્ચે પડતી મૂકી નાસી ગયા
આ ચર્ચા નાગપુરથી શરૂ થઈ હતી જ્યારે પં.ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. અંધશ્રદ્ધા નિવારણ સમિતિએ કહ્યું કે જ્યારે બાગેશ્વર ધામ સરકારને ચમત્કાર સાબિત કરવા માટે પડકાર ફેંકવામાં આવ્યો તો તેઓ અધવચ્ચે જ કથાને પડતી મૂકી નાસી ગયા. 

પડકાર ફેંકનાર વ્યક્તિને રાયપુર બોલાવી
આ મામલે વિવાદ થતાં પં.ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ નિવેદન આપ્યું.  તેમણે પડકાર ફેંકનાર વ્યક્તિને રાયપુર બોલાવી. અહીં તેમની રામકથા ચાલી રહી હતી. શુક્રવારે પં.ધીરેન્દ્ર શાસ્ત્રીએ અનેક મીડિયા કર્મચારીઓ સામે ચમત્કાર કરવાનો દાવો પણ કર્યો. એક ચેનલના રિપોર્ટરના કાકાને નામ લઈને મંચ પર બોલાવ્યા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. પં.ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયી તેને ચમત્કાર માનવા લાગ્યા છે.

ચાલો આપણે જાણીએ પં.ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે? તેને લઈને શું વિવાદ થયો છે? બાગેશ્વર ધામ શું છે? તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ... 

પહેલા જાણો... બાગેશ્વર ધામમાં થાય છે શું? 
બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી તેમની કથા દરમિયાન લોકોની સમસ્યા સાંભળી તેનું સમાધાન કરવાનો દાવો કરે છે. તેમની કથામાં ભૂત-પ્રેતથી માંડીને બીમારીઓની સારવાર પણ કથામાં જ કરવાનો દાવો કરાય છે. બાબાના ભક્તોનું માનવું છે કે બાગેશ્વર ધામ સરકાર વ્યક્તિને જોઈને જ તેની દરેક પ્રકારની તકલીફો જાણી જાય છે અને તેનું સમાધાન પણ જણાવી દે છે.

હવે જાણો...વિવાદ શું છે?
બાગેશ્વર ધામ સરકાર દાવો કરે છે કે તે લોકોની અરજી ભગવાન(બાલાજી હનુમાન) સુધી પહોંચાડવાનું માધ્યમ છે. જેને ભગવાન સાંભળીને તેમને સમાધાન જણાવે છે. આ દાવાઓને નાગપુરની અંધશ્રદ્ધા નિવારણ સમિતિએ પડકાર્યા હતા. અહીંથી વિવાદ શરૂ થયો. 

ક્યાં આવેલું છે બાગેશ્વર ધામ? 
છતરપુરની નજીકમાં ગઢા નામને એક સ્થાન આવેલું છે જ્યાં બાગેશ્વર ધામ છે. અહીં બાલાજી હનુમાનનું મંદિર છે. દર મંગળવારે દર્શન માટે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. ધીમે ધીમે આ દરબારને લોકો બાગેશ્વર ધામ સરકારના નામે પોકારવા લાગ્યા. આ મંદિર પણ સેંકડો વર્ષ જૂનું હોવાના દાવા કરાય છે.

શું છે બાગેશ્વર ધામનો ઈતિહાસ? 
1986માં બાલાજી હનુમાનના આ મંદિરનું રિનોવેશન કરાવાયું. 1987 આજુબાજુ અહીં એક સંત બબ્બાજી સેતુ લાલજી મહારાજ આવ્યા હતા. તેમને ભગવાન દાસજી મહારાજના નામે પણ ઓળખાતા હતા. ધામના વર્તમાન પ્રમુખ પં.ધીરેન્દ્ર શાસ્ત્રી જ ભગવાન દાસજી મહારાજના પૌત્ર છે. 

જાણો હવે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે...
હાલમાં બાગેશ્વર ધામની કમાન પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે જ છે. તેમના પિતાનું નામ રામકૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ હતું. તેમનો જન્મ 1996માં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડાગંજ ગામમાં થયો હતો.  તેમનો સંપૂર્ણ પરિવાર હાલ અહીં જ રહે છે. એવું કહેવાય છે કે બાળપણમાં પં.ધીરેન્દ્રને એક ટંકનું ભોજન પણ મળતું નહોતું. પરિવારની આર્થિક સ્થિતિ બદહાલ હતી. અહેવાલ અનુસાર 11 વર્ષની વયે બાગેશ્વર ધામમાં પૂજા પાઠ શરૂ કરી દીધો હતો અને પં.ધીરેન્દ્રના દાદાએ ચિત્રકૂટના નિર્મોહી અખાડાથી જ દીક્ષા લીધી હતી. 

બાગેશ્વર બાબા ગદા લઈને કેમ ચાલતા હતા? 
બાગેશ્વર ધામના પ્રમુખ પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા એક નાનકડી ગદા સાથે લઈને ચાલે છે. તે કહે છે કે તેનાથી મને ભગવાન હનુમાન શક્તિ આપે છે. તે કહે છે કે હું કોઈ ચમત્કાર નથી કરતો. હું તો ફક્ત ભગવાન સમક્ષ લોકોની અરજી રજૂ કરું છું અને તે મને જવાબ આપે છે. તેનાથી લોકોને લાભ મળે છે. હું કોઈને બોલાવતો નથી, લોકો મરજીથી આવે છે.