CM ભૂપેન્દ્ર પટેલ હીરાબાની ખબર પૂછવા પહોંચ્યા હોસ્પિટલ, જુઓ અત્યાર સુધી કોણ-કોણ ગયું

CM ભૂપેન્દ્ર પટેલ હીરાબાની ખબર પૂછવા પહોંચ્યા હોસ્પિટલ, જુઓ અત્યાર સુધી કોણ-કોણ ગયું

અમદાવાદ, 28 ડિસેમ્બર 2022, બુધવાર

વડાપ્રધાન મોદીની માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન માતાની ખબર પુછવા માટે અમદાવાદ આવવાના હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.અમદાવાદ શહેરમાં નો ડ઼્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં હોસ્પિટલમાં ધારાસભ્યો, અધિકારીઓ પણ પહોંચી ગયાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેબિનેટની બેઠકમાં હોવાથી બેઠક પુરી થયા બાદ તેઓ હવે યુએન મહેતા પહોંચી ગયાં છે. 

ધારાસભ્યો અને અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયાં
વડાપ્રધાન અમદાવાદ આવી રહ્યાં છે. ત્યારે હીરાબાની ખબર અંતર પુછવા માટે ધારાસભ્યો અને અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયાં હતાં. હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ હોસ્પિટલ પહોંચી ગયાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ યુ એન મહેતા હોસ્પિટલ પહોંચી ગયાં છે.

અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું
બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે. અમદાવાદમાં પોલીસ દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Share: