હીરાબાની તબિયતને લઈને હોસ્પિટલે જાહેર કર્યુ મેડિકલ બુલેટીન, PM મોદી આવશે અમદાવાદ

હીરાબાની તબિયતને લઈને હોસ્પિટલે જાહેર કર્યુ મેડિકલ બુલેટીન, PM મોદી આવશે અમદાવાદ

અમદાવાદ, 28 ડિસેમ્બર 2022, બુધવાર

PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ગઈ કાલે રાત્રે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે તેવી સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી રહ્યું છે. હીરાબાને હોસ્પિટલમાં ખસેડવાને પગલે યુ.એન મહેતા ખાતે VVIPની દોડધામ જોવા મળી હતી. અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. હવે યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હીરાબાની તબિયત હવે સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ એન મહેતા હોસ્પિટલ જવા રવાના થઈ ગયા છે. 

હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું
યુ એન મહેતા હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે તેમની તબિયત સુધારા પર છે. હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું
બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે. અમદાવાદમાં પોલીસ દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

Share: