×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારમાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 53ના મોત, અનેક ગામોમાં શોકનો માહોલ

IMAGE : pixabay.com












પટના, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

દારૂ પર પ્રતિબંધ લગાવેલા બિહારના સારણ જિલ્લાના છપરામાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. ઘણા લોકો હોસ્પિટલોમાં મોત સાથે જંગ લડી રહ્યા છે. અનેક ગામોમાં શોકનો માહોલ છવાયો હતો. આવી જ હાલત છપરાના બહેરૌલી ગામની છે. અહીં ઝેરી દારૂ પીવાથી એક સાથે 11 લોકોના મોત થયા છે. બીજી તરફ પોલીસ આ મામલે સમગ્ર સારણ જિલ્લામાં દરોડા પાડી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા 126 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાર હજાર લીટરથી વધુનો ગેરકાયદેસર દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 

આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી
બિહારના સારણમાં ઇસુઆપુર અને મશરક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત રીતે નકલી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. મૃતકના પરિજનોના જણાવ્યા મુજબ મોત દારૂ પીવાથી થયું છે. આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે જેમાં 31 પોલીસકર્મીઓ છે. આ મામલામાં મશરક પોલીસ સ્ટેશનના SHO અને સ્થાનિક ચોકીદારને સસ્પેન્ડ કર્યા જ્યારે મરહૌરાના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સામે વિભાગીય તપાસની માંગ કરવામાં આવી છે. ડીએમ અને એસપીએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેમની પાસે આ અંગે જે પણ માહિતી હોય તો ડર્યા વિના પોલીસને જાણ કરી શકે છે.

અનેક ગામોમા માતમ છવાયો
નકલી દારૂ પીવાથી મૃત્યુ પામેલા લોકોમાં ઇસુપુર અને મશરક પોલીસ સ્ટેશનના ઘણા ગામોના લોકો પણ છે. અનેક ઘરોમાં શોકનો માહોલ છે. કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, તો ઘણા બાળકોના માથા પરથી પિતાનો આશરો ગુમાવી દીધો હતો. અનેક પરિવારમાં હાલ માતમ છવાયેલો છે. 

નીતિશ સરકાર બેકફૂટ પર
વર્ષ 2016માં નીતીશ સરકારે બિહારમાં દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. દારૂ પર પ્રતિબંધ લગાવનાર બિહારમાં નકલી દારૂના કારણે મોતના મામલામાં નીતિશ કુમાર સરકાર હાલ બેકફૂટ પર છે. ભાજપ આ મુદ્દે રોડથી લઈને વિધાનસભા અને સંસદ સુધી નીતિશ સરકાર પર નિશાન સાધી રહી છે. બીજી તરફ પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ હજુ સુધી એ કહી શકી નથી કે આ કેસમાં મુખ્ય આરોપી કોણ છે. પોલીસે ધરપકડ કરેલા 126 લોકોમાંથી નકલી દારૂના કારણે થયેલા મૃત્યુના કેસ સાથે કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.