×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘2014 સુધીમાં બન્યા 70 એરપોર્ટ, અમે 8 વર્ષમાં 72 એરપોર્ટ બનાવ્યા’, ગોવામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પણજી, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટનું વર્ષ 2016નાં નવેમ્બરમાં PM મોદીએ શિલાન્યાસ કર્યું હતું. ગોવામાં આ બીજું એરપોર્ટ છે જ્યારે પહેલું એરપોર્ટ ડાબોલિમમાં છે. આ કાર્યક્રમ દરમિયાન PM મોદીની સાથે ગોવાના CM પ્રમોદ સાવંત અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહ્યા હતા.

મનોહર પારિકરના નામ પરથી રખાયું એરપોર્ટ નામ

આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ મારા પ્રિય સહયોગી અને ગોવાના પ્રિય સ્વ. મનોહર પારિકરના નામ પરથી રખાયું છે. હવે મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટના નામથી પારિકરજીનું નામ અહીં આવતા-જતા દરેક લોકોને યાદ રહેશે.

2014 પહેલા અમિરો જ વિમાનની મુસાફરી કરી શકતા હતા

PM મોદીએ કહ્યું કે વર્ષ 2014 પહેલાની સરકારોના કારણે વિમાની મુસાફરી લક્ઝરી બની હતી. મોટે ભાગે માત્ર અમિર લોકો જ વિમાની મુસાફરીનો લાભ લઈ શકતા હતા. સાથે જ મોદીએ કહ્યું કે, પહેલાની સરકારોએ એ વિચાર્યું પણ ન હતું કે સામાન્ય લોકો, મધ્યમ વર્ગ પણ એટલી જ વિમાની મુસાફરી કરવા ઈચ્છે છે.

2014થી અત્યાર સુધીમાં અમે 72 એરપોર્ટ બનાવ્યા : PM

PM મોદીએ તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે, આઝાદીથી લઈને વર્ષ 2014 સુધી દેશમાં 70 જેટલા જ નાના-મોટા એરપોર્ટ હતા. મોટાભાગે મોટા શહેરોમાં જ વિમાની મુસાફરીની સુવિધા હતી, પરંતુ અમે નાના શહેરોમાં પણ વિમાની મુસાફરી કરાવવાની કામગીરી આરંભી. આ માટે અમે પહેલા સમગ્ર દેશમાં એરપોર્ટ નેટવર્કનું વિસ્તરણ કર્યું અને ત્યારબાદ UDAN યોજના દ્વારા સામાન્ય લોકોને પણ વિમાનમાં ઉડવાની તક આપી. PM મોદીએ વધુમાં જણાવ્યું કે, આ પ્રયાસોના અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા છે. છેલ્લા 8 વર્ષમાં દેશમાં 72 નવા એરપોર્ટ બનાવાયા છે.