×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નિર્ભયા ફંડમાંથી ખરીદાયેલા વાહનોનો ઉપયોગ સાંસદો-ધારાસભ્યોની સુરક્ષામાં કરાયાનો દાવો ! CM શિંદે પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

મુંબઈ, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર

મહારાષ્ટ્રમાં આ વર્ષની શરૂઆતમાં મહિલાઓ વિરુદ્ધ થતાં અપરાધ સામે લડવા કેટલાક વાહનો ખરીદાયા હતા. આ વાહન મુંબઈ પોલીસે નિર્ભયા ફંડ હેઠળ ખરીદ્યા હતા. હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે, આ વાહનોનો ઉપયોગ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથના ધારાસભ્યો અને સાંસદોને 'વાય-પ્લસ' સુરક્ષા આપવા કરાઈ રહ્યો છે.

એક પોલીસ અધિકારીને ટાંકીને ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ વર્ષે જૂન મહિનામાં મુંબઈ પોલીસે નિર્ભયા ફંડ હેઠળ રૂ.30 કરોડથી વધુના ખર્ચે 220 બોલેરો, 35 અર્ટિગા, 313 પલ્સર બાઈક અને 200 એક્ટિવાની ખરીદી કરી હતી. કેન્દ્ર સરકાર વર્ષ 2013થી મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલી યોજનાઓને અમલમાં મૂકવા 'નિર્ભયા ફંડ' દ્વારા રાજ્ય સરકારોને ફંડ ફાળવે છે.

એક પોલીસ અધિકારીએ કર્યો દાવો 

પોલીસ અધિકારીએ દાવો કર્યો કે, જૂન મહિનામાં વાહનોની ખરીદી કર્યા બાદ જુલાઈમાં તમામ 97 પોલીસ સ્ટેશન, સાયબર, ટ્રાફિક અને કોસ્ટલ પોલીસ યુનિટને વાહનો અપાયા હતા. રાજ્ય પોલીસના VIP સુરક્ષા વિભાગ દ્વારા આદેશ કરાતા બાદ મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગે આ વાહનોમાંથી 47 બોલેરો અનેક પોલીસ સ્ટેશનોમાંથી મંગાવી હતી. આદેશમાં કહેવાયું હતું કે, શિંદે જૂથના સાંસદો અને ધારાસભ્યોના 'વાય-પ્લસ' સુરક્ષા આપવા માટે આ વાહનોની જરૂર છે. જો કે આ જરૂરિયાત પૂરી થતાં 17 વાહનો પોલીસ સ્ટેશનોમાં પરત મોકલાયા હતા. હજુ સુધી 30 બોલેરો પરત આવી નથી.

કોંગ્રેસે મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

આ મામલાના ખુલાસા બાદ વિપક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ શિંદે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો કે, શું મહિલાઓની સુરક્ષા કરતા સત્તાધારી ધારાસભ્યોની સુરક્ષા વધુ મહત્વની છે. કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે પૂછ્યું કે, શું મહિલાઓને અવ્યવહારથી બચાવવા કરતાં સત્તાધારી ધારાસભ્યોની સુરક્ષા વધુ મહત્વની છે. ધારાસભ્યોની સુરક્ષા માટે નિર્ભયા ફંડનો ઉપયોગ ભયાનક અને અપમાનજનક છે.

NCPએ કહ્યું, સત્તાનો શરમજનક દુરુપયોગ

એનસીપીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે, નિર્ભયા ફંડમાંથી ખરીદેલી SUVનો ઉપયોગ એકનાથ શિંદેના ધારાસભ્યોને વાય-પ્લસ સુરક્ષા આપવા માટે કરાયો હતો. શિંદે-ફડણવીસ સરકાર સત્તાનો શરમજનક દુરુપયોગ કરી રહી છે. શિંદેના ધારાસભ્યોએ શરમથી મરી જવું જોઈએ. NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે મહિલાઓની સુરક્ષા માટે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકાર દ્વારા નિર્ભયા ફંડની સ્થાપના કરાઈ હતી. ધારાસભ્યોની સુરક્ષા માટે વાહનોનો દુરુપયોગ થઈ રહ્યો છે તે ચોંકાવનારી બાબત છે.