×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં રાજકીય ધમાસાણ : MCD પરિણામ બાદ AAPમાં સામેલ થયા 3 કોંગ્રેસી, પછી થયો ‘ઘર વાપસી’ ખેલ

નવી દિલ્હી,તા.10 ડિસેમ્બર-2022, શનિવાર

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયાના થોડા કલાકો બાદ જ ઉલટફેર જોવા મળ્યો. દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મેહદી તેમજ બ્રિજપુરી વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર નાઝિયા ખાતૂન અને મુસ્તફાબાદ વોર્ડના કાઉન્સિલર સબિલા બેગમ AAPમાં જોડાયા હતા, પરંતુ આ ત્રણેય નેતાઓ ફરીથી કોંગ્રેસમાં પરત ફર્યા છે. 

કોંગ્રેસના ઉપાધ્યક્ષે માફી માંગી

આ ઘટના ક્રમના કેટલાક કલાકો બાદ દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મેહીએ માફી માંગી જણાવ્યું કે, તેઓ જુના પક્ષમાં સામેલ થઈ ગયા છે. હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાર્યકર્તા છું. તો AAPમાં સામલે થનારા મુસ્તફાબાદ વોર્ડના કાઉન્સિલર સલિબા બેગમ અને બ્રિજપુરી વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર નાઝિયા ખાતૂન પણ કોંગ્રેસમાં પરત ફર્યા છે. આમ આ 3 નેતાઓએ પક્ષપલટો કર્યો હોત તો AAPને ફાયદો થવાનો હતો, જોકે થોડીવારમાં જ ત્રણેય નેતાઓ કોંગ્રેસમાં પરત ફરતા APPનો ફાયદો નુકસાનમાં થઈ ગયો હતો.

વિરોધ બાદ મેહદી કોંગ્રેસમાં પરત ફર્યા

મુસ્તફાબાદમાં વિરોધ પ્રદર્શન થયા બાદ મેહદીએ કોંગ્રેસમાં પરત ફરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં મેહદીના AAPમાં જવાના નિર્ણયનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ કડક વિરોધ કર્યો હતો. જોકે મેહદી દ્વારા કોંગ્રેસમાં પરત ફરવાની જાહેરાત બાદ પક્ષના ઘણા નેતાઓ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

પક્ષપલ્ટુ નેતાઓ થોડીવારમાં જ કોંગ્રેસમાં ઘર વાપસી કરી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીં AAP 250માંથી 134 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે ભાજપને 104 વોર્ડમાં જીત મળી છે. કોંગ્રેસે 9 બેઠકો જીતી છે. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. તો કોંગ્રેસના બે કાઉન્સિલર કોંગ્રેસનો હાથ છોડીને આમ આદમી પક્ષમાં જતા રહ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસના કાઉન્સિલરોની સંખ્યા ઘટીને 7 થઈ ગઈ હતી, જોકે પક્ષપલ્ટુ નેતાઓ થોડીવારમાં જ કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

MCDમાં કોંગ્રેસના આ ત્રણેય નેતાઓ જીત્યા હતા

બ્રિજપુરી વોર્ડમાંથી નાઝિયા ખાતૂનને 9639 મતો મળ્યા હતા. તેમણે AAPના ઉમેદવાર અરફીન નાઝને હરાવ્યા હતા. અરફીનને 7521 મત મળ્યા હતા. નાઝિયાએ 2118 મતોથી કાઉન્સિલરની ચૂંટણી જીતી હતી. બીજી તરફ કોંગ્રેસના સબિલા બેગમ મુસ્તફાબાદ વોર્ડમાંથી જીતી મેળવી છે. તેમણે ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવાર સરબરી બેગમને હરાવ્યા હતા. સબિલા બેગમને 14921 મતો મળ્યા હતા. જ્યારે સરબારીને 8339 મતો મળ્યા હતા. આ ચૂંટણીમાં સબિલા બેગમ 6582 મતોથી જીતી હતી.

15 વર્ષથી પગદંડો જમાવનાર ભાજપે સત્તા ગુમાવી

15 વર્ષથી MCD પર કબજો જમાવનાર ભાજપે સત્તા ગુમાવી. સતત ત્રણ વખતથી દિલ્હી વિધાનસભા જીતી રહેલી AAP પ્રથમવાર એમસીડીમાં જીત મેળવવામાં સફળ થઈ છે. MCDની 250 બેઠકો પર 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 382 ઉમેદવારો અપક્ષના હતા. ભાજપ અને AAPએ તમામ 250 બેઠકો પર પોત-પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 247 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.