×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોંગ્રેસનું વિપક્ષનું પદ જોખમમાં, ગાડી-બંગલો ઓફિસ બધુ જતું રહેશે, આટલી બેઠકોની જરૂર


અમદાવાદ, તા. 8 ડિસેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાંખ્યાં છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ ભાજપે તોડી નાંખ્યો છે. ત્યારે ઘણી એવી બેઠકો છે જ્યાં મેજર અપસેટ સર્જાયો છે.  ભાજપે ઉત્તર ગુજરાત અને ખેડામાં કોંગ્રેસનો ગઢ આ વખતે તોડી નાંખ્યો છે. બીજી તરફ આ પરિણામને જોતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષનું પદ પણ જોખમમાં આવ્યું છે. વિપક્ષના પદ માટે કુલ 19 બેઠકો હોવી જરૂરી છે. ત્યારે વિપક્ષ પાસે હાલમાં માત્ર 16 બેઠકો જ છે. હવે વિપક્ષના નેતા તરીકે કોને બેસાડવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલમાં તો વિપક્ષ વિનાની વિધાનસભા જેવો ઘાટ પરિણામ પરથી સર્જાયો છે. 

વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પરંતુ બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે પણ જબરદસ્ત અપસેટ સર્જાયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. તે ઉપરાંત ભાજપના સતત જીતતા ઉમેદવારોને પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપે બાજી મારી છે. 

આ દિગ્ગજો હારી જતાં વિધાનસભામાં વિપક્ષ જેવું કંઈ રહ્યું નહીં
કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ, જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ પાદરા અને વાઘોડિયા જેવી બેઠકો પર પણ મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ભાજપે ટીકિટ નહીં આપતા અપક્ષમાં ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ પાદરા બેઠક પર ભાજપની જીત થઈ છે અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જીતી ગયાં છે. 

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું
એક તરફ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી હારી ગયાં છે અને વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરનો વિજય થતાં રાજકીય પંડિતોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ભાજપની વિરોધમાં લહેર હતી પરંતુ ભાજપના ધુંવાધાર પ્રચાર અને વડાપ્રધાનના સતત પ્રચારને લીધે ભાજપે આ વખતે જંગી જીત મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે.