×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીમા વિવાદ: CM બોમ્માઈ અને શિંદેની ટેલિફોનિક વાતચીત, 'શાંતિ' જાળવવા સહમત


- સરહદ મુદ્દે તેમના વલણમાં કોઈ ફેરફાર નથી થયો: CM બોમ્માઈ

બેંગલુરુ, તા. 07 ડિસેમ્બર 2022, બુધવાર

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રીઓ સહમત થયા કે, સરહદી વિસ્તારોમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. જ્યારે સીએમ બોમ્માઈએ કહ્યું કે, સરહદ મુદ્દે તેમના વલણમાં કોઈ ફેરફાર નથી થયો. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ એક ટ્વીટમાં કહ્યું કે 'અમે બંને સહમત છીએ કે બંને રાજ્યોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવી જોઈએ. તેમણે કહ્યું કે, કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે સદ્ભાવ છે.

સીએમ બોમ્માઈએ કહ્યું કે, જ્યાં સુધી કર્ણાટકની સરહદનો સંબંધ છે ત્યાં સુધી તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી અને આ માટે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ લડવામાં આવશે. આ પહેલા સીએમ બોમ્માઈએ શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો હતો. બોમ્માઈએ કહ્યું કે, તેમની સરકાર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરહદનો મુદ્દો નથી ઉઠાવી રહી. બોમ્માઈએ કહ્યું કે, મહારાષ્ટ્ર છેલ્લા ઘણા સમયથી આને મુદ્દો બનાવી રહ્યું છે. આ કર્ણાટકનો મુદ્દો નથી. મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અમારો કેસ બંધારણ મુજબ છે અને અમને કાનૂની લડાઈ જીતવાનો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે અમે અમારી સરહદ અને લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી સરકાર મહારાષ્ટ્ર, તેલંગાણા અને કેરળમાં રહેતા કન્નડ લોકો માટે ચિંતિત છે.

મહારાષ્ટ્રે બેલાગવી (બેલગામ) પર દાવો કર્યો છે જે તત્કાલિન બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ રહ્યો છે. હાલમાં બેલાગવી કર્ણાટકના સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. ગઈકાલે કોલ્હાપુર શિવસેના જિલ્લા પ્રમુખ વિજય દેવણેએ નિપ્પાની સરહદેથી કર્ણાટકમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ અટકાવ્યો હતો. તેમણે અને તેમના સમર્થકોએ મહારાષ્ટ્રના મંત્રીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા જેઓ બેલાગવી આવવામાં નિષ્ફળ ગયા. કર્ણાટક અને બેલાગવી પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં ભારે પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.