×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આઈસીએમઆરના સર્વર પર એક દિવસમાં 6,000 વખત સાઈબર હુમલો


- એઈમ્સ પછી હવે આઈસીએમઆર હેકર્સના નિશાન પર

- હોંગકોંગ સ્થિત બ્લેક લિસ્ટેડ આઈપી એડ્રેસ પરથી હુમલા થયા, પરંતુ હેકર્સ સફળ થઈ શક્યા નહીં, સરકારી વિભાગો એલર્ટ

- સ્વાસ્થ્ય સંબંધિત વેબસાઈટ પર વર્ષ 2020થી સાઈબર હુમલા વધ્યા, એઈમ્સ પર હુમલામાં સર્વરની ફોરેન્સિક ઈમેજની તપાસ કરાઈ

નવી દિલ્હી : ભારતે ડિજિટલ યુગમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તેની અનેક સેવાઓ મેન્યુઅલના બદલે ડિજિટલ થઈ રહી છે ત્યારે સાઈબર હુમલાનું પણ જોખમ વધ્યું છે. થોડાક દિવસ પહેલાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત એઈમ્સનું સર્વર હેક થઈ ગયું હતું. તેને હજુ રીપેર કરી શકાયું નથી ત્યાં હવે હેકર્સે એક જ દિવસમાં ૬,૦૦૦ વખત આઈસીએમઆરની વેબસાઈટ પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા હોબાળો મચી ગયો છે.

કોરોનાકાળમાં ચર્ચામાં આવેલી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સર્વર પર સાઈબર હુમલો કરનારા હુમલાખોરો અંગે પૂછવામાં આવતા અધિકારીએ જણાવ્યું કે, આઈસીએમઆરની વેબસાઈટ પર ૩૦મી નવેમ્બરે ૨૪ કલાકમાં ૬,૦૦૦ હુમલા કરવામાં આવ્યા હતા, જે હોંગકોંગ સ્થિત બ્લેક લિસ્ટેડ આઈપી એડ્રેસ ૧૦૩.૧૫૨.૨૨૦.૧૩૩ ઉપરથી થયા હોવાનું મનાય છે. વેબસાઈટનો ડેટા સલામત છે. તેની સુરક્ષા ભંગ થઈ નહોતી. 

એક અહેવાલ મુજબ અધિકારીએ જણાવ્યું કે, સાઈબર હુમલાનો પ્રયત્ન કરનારા હેકર્સ હેક કરવામાં સફળ થઈ શક્યા નહોતા. તેમને અટકાવી દેવાયા હતા. અમે અમારી ટીમને આ અંગે એલર્ટ પણ કરી છે. જો ફાયરવોલમાં ખામી હોત તો હુમલાખોર વેબસાઈટની સુુરક્ષાનો ભંગ કરવામાં સફળ થઈ શક્યા હોત. આ વેબસાઈટ એનઆઈસી ડેટા સેન્ટરમાંથી હોસ્ટ થાય છે. એનઆઈસીની ફાયરવોલ નિયમિત અપડેટ થતી હોવાથી વેબસાઈટ પર હુમલો સફળ થયો નહોતો.

હેકિંગના હુમલાના પગલે આઈસીએમઆરમાં હેલ્થ રિસર્ચ વિભાગના સચિવ અને આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે ૨જી ડિસેમ્બરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિક્યોરિટીની સમીક્ષા કરી હતી. દિલ્હીની એઈમ્સ પર સાઈબર હુમલા પછી સરકારી સંગઠનોને ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષાને અપડેટ કરવાની સલાહ અપાઈ છે. અધિકારીએ કહ્યું કે, સ્વાસ્થ્ય સંગઠનોમાં નબળી સૂચના વ્યવસ્થા હેકર્સ માટે ટોચની સંભવિત ટાર્ગેટમાં એક હોઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઈટ પર સાઈબર હુમલા વર્ષ ૨૦૨૦થી વધી રહ્યા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત આઈસીએમઆર જૈવ મેડિકલ સંશોધનના નિર્માણ, સમન્વય અને પ્રચાર માટે ભારતની ટોચની સંસ્થા અને દુનિયાની સૌથી જૂની મેડિકલ સંશોધન સંસ્થાઓમાંની એક છે. 

આઈસીએમઆરે હંમેશા બાયો મેડિકલ સંશોધનમાં વૈજ્ઞાાનિક પ્રગતિ પર કામ કર્યું છે તો બીજીબાજુ દેશની સ્વાસ્થ્ય સેવાઓના વ્યાવહારિક સમાધાન શોધવાનો પણ પ્રયત્ન કર્યો છે.

દરમિયાન દિલ્હી સ્થિત એઈમ્સનું સર્વર છેલ્લા કેટલાક દિવસથી ઠપ્પ છે. આ ઘટનાની તપાસમાં કાર્યરત દિલ્હી પોલીસની સાઈબર સેલ ઈફ્સોએ એઈમ્સના અસરગ્રસ્ત સર્વરની ફોરેન્સિક ઈમેજની તપાસ કરી છે. તેના માધ્યમથી પોલીસ સર્વર હેકિંગનો ખુલાસો કરશે. તપાસમાં સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, આ હેકિંગ પાછળ ચીનમાં બેઠેલી કોઈ વ્યક્તિનો હાથ હોવાની શક્યતા છે. આ સિવાય એઈમ્સના દર્દીઓનો ડેટા હેક કરીને ડાર્ક વેબ પર વેચવાની વાત પણ સામે આવી છે. હાલ પોલીસ બધા જ દૃષ્ટિકોમથી આ કેસની તપાસ કરી રહી છે.