×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મતદાનના દિવસે PM મોદી પર રોડ શોનો આરોપ, ચૂંટણી પંચે કહ્યું, લોકો જાતે જ ભેગા થયા હતા

અમદાવાદ, 6 ડિસેમ્બર 2022, મંગળવાર

ગુજરાતમાં ગઈકાલે મતદાનનો બીજા તબક્કો હતો.આખરે બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રાણિપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. તેઓ મતદાન કરવા માટે ચાલીને ગયા હતાં. જ્યાં મોદીને જોવા લોકોની ભીડ જામી હતી. જેથી કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર રોડ શોનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાએ આ મુદ્દે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી. પરંતુ ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ રોડ શો નહોતો વડાપ્રધાન મત આપવા જતા હતાં ત્યારે ભીડ આપોઆપ ભેગી થઈ હતી. 

રાણીપમાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી
PM મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મત આપ્યો હતો.  જોકે પીએમ મોદી વોટ આપવા જાય તે પહેલા જ પોલિંગ બૂથની આગળ હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી. પીએમ મોદી પોલિંગ બૂથથી થોડે દૂર ગાડીમાંથી ઉતરી ગયા અને ચાલતા ચાલતા વોટ આપવા પહોંચ્યા. રાણીપમાં હજારોની સંખ્યામાં ભીડને જોઈને વિપક્ષીઓ પાર્ટી લાલઘૂમ થઈ હતી અને ગઇકાલે આખો દિવસ પીએમ મોદી દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી. 

કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી
કોંગ્રેસ પાર્ટીના લૉ સેલના અધ્યક્ષ યોગેશ રવાણીએ આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ રોડ શો કર્યો છે. જે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ મામલે કોંગ્રેસની માંગ છે કે પીએમ મોદી સામે કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પંચે પણ આ ફરિયાદ લઈને આશ્વાસન આપ્યું હતું કે,આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે.  

ચૂંટણી પંચે કહ્યું, ભીડ આપો આપ ભેગી થઈ ગઈ હતી
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદના જવાબમાં ચૂંટણી પંચના અધિકારી કુલદીપ આર્યાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પીએમ મોદી સામે ફરિયાદ કરવામાં આવી હતી, અમે તાત્કાલિક સમગ્ર મામલે અમદાવાદના ઈલેક્શન ઓફિસરને રિપોર્ટ મોકલવા આદેશ આપ્યા હતા, રિપોર્ટ અનુસાર લાગતું નથી કે આ રોડ શો હતો, ત્યાં ભીડ આપો આપ જ ભેગી થઈ ગઈ હતી.

વડાપ્રધાન અને તેમની પાર્ટી VVIP છેઃ મમતા બેનરજી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે,હું G20ની બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી આવી છું. તેમણે ગુજરાતમાં મતદાનને લઈને કહ્યું હતું કે, મતદાનના દિવસે રોડ શોની પરવાનગી નથી હોતી. પરંતુ વડાપ્રધાન અને તેમની પાર્ટી VVIP છે, તે કંઈ પણ કરી શકે છે. આખતે તેમને માફ કરી દેવામાં આવશે.

પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથીઃ ઈસુદાન ગઢવી
ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથી. પ્રચારથી વધતી જતી મોંઘવારી ઓછી થઈ શકતી નથી, ન તો તે વધતી કિંમતોને રોકવામાં મદદ કરે છે, ન તો પેપર લીકનો મુદ્દો ઉકેલી શકાય છે.