×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં ભાજપ કાર્યકરોની નિષ્ક્રિયતાની ચર્ચા

ગુજરાતમાં ભાજપ કાર્યકરોની નિષ્ક્રિયતાની ચર્ચા

નવીદિલ્હી, તા.૪

સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પતે કે તરત ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની બેઠક બોલાવાઈ છે. રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડાના પ્રમુખસ્થાને  ૫ ડિસેમ્બરથી મળનારી આ બેઠક ૨ દિવસ સુધી ચાલશે. તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રીઓ ઉપરાંત તમામ રાષ્ટ્રીય હોદ્દેદારો ભાગ લેશે.

આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે એવં કહેવાયું છે પણ ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, બેઠકમાં ગુજરાતમાં ભાજપના સગઠનની કામગીરી  સમીક્ષા કરાશે.  

રાહુલની સલાહથી ભાજપના નેતા અકળાઈ ગયા

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ  ભાજપ અને સંઘને જય સિયારામ બોલવાની સલાહ આપી તેના કારણે ભાજપના નેતા અકળાયા. રાહુલે કહ્યું કે, 'જય સિયારામ'નો અર્થ છે , જય સીતા અને જય રામ. મતલબ કે, સીતા અને રામ એક જ છે તેથી જય સિતારામ અથવા જય સિયારામ બોલવું જોઈએ.  ભગવાન રામ સીતાજીના સન્માન માટે લડયા હતા તેથી જય સિયારામ બોલીએ ત્યારે સમાજમાં મહિલાઓનો સીતામાતાની જેમ આદર થાય છે. સંઘ  અને ભાજપના લોકો સિયારામ કે સિતારામ નથી બોલી શકતા કેમ કે સંઘમાંથી સીતાને પહેલાં જ બહાર કરી દેવાયાં છે.

ભાજપે અકળાઈને પ્રતિક્રિયા આપી છે કે, ભાજપને રાહુલ ગાંધીના સર્ટિફિકેટની જરૂર નથી. રાહુલ ચૂંટણી સમયે બની જતા હિંદુ છે. યુપીના નાયબ મુખ્યમંત્રી  બ્રિજેશ પાઠકે કહ્યું કે, રાહુલ નાટક મંડળીના નેતા છે કે જે કોટ ઉપર જનોઈ પહેરે છે. તેમને ભારતીય સંસ્કૃતિ વિશે કંઈ ખબર નથી. અત્યારે ગલીઓમાં દોડી રહ્યા છે કેમ કે, જનતાએ તેમને નકારી કાઢયા છે.

હિજાબની મંજૂરી સાથેની સ્કૂલોનો નવો વિવાદ

કર્ણાટકમાં હિજાબ વિવાદને પગલે મુસ્લિમ સંગઠનોએ છોકરીઓ ક્લાસમાં હિજાબ પહેરીને આવી શકે એવી  છૂટ ધરાવતી સ્કૂલો ખોલવાની મંજૂરી માંગી હતી. ભાજપ  સરકારે મુસ્લિમ છોકરીઓ માટે ૧૦ શાળાઓ ખોલવાના વકફ બોર્ડના પ્રસ્તાવને નકારી કાઢયો તેની સામે મુસ્લિમ સંગઠનોએ બાંયો ચડાવીને કોર્ટમાં જવાની હિલચાલ શરૂ કરી છે.

વિવાદ થતાં અત્યારે સરકાર એવો બચાવ કરી રહી છે કે, આવો કોઈ પ્રસ્તાવ અમને મોકલાયો નથી. રાજ્યના વકફ અને ધાર્મિક બાબતોના મંત્રી શશિકલા જોલે દાવો કર્યો કે તેમને આ પ્રસ્તાવની કોઈ જાણકારી નથી. મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ પણ કહ્યું કે સરકાર સમક્ષ મુસ્લિમ છોકરીઓ માટે અલગ સ્કૂલની દરખાસ્ત મૂકવામાં આવી નથી અને પોતે આવી અલગ સ્કૂલની તરફેણમાં પણ નથી.

બીજીતરફ વક્ફ બોર્ડના પ્રમુખ મોહમ્મદ શફી સાદીએ જાહેર કર્યું છે કે, મેંગલુરૂ, કોગાડુ, ચિકમગલુર, વિજ્યપુરા, બેલગાવી, ઉડ્ડપી, શિવમોગા, રાયપુર, કોપ્પલ અને કલબુર્ગીમાં સ્કૂલ ખોલવાની તૈયારી કરી લીધી છે.  બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હેઠળ શાળાઓ ખોલવાની યોજના છે.  બોર્ડે ૬ મહિના પહેલા આ નિર્ણય લીધો હતો.

દિલ્હીમાં હાર થાય તો કેજરીવાલ રાજકારણ છોડશે

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશના (સ્ભઘ)ના ૨૫૦ વોર્ડમાં રવિવારે મતદાન થયું ત્યારે અરવિંદ કેજરીવાલનો જૂનો વીડિયો વાયરલ થયો છે.  કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપ હારના ડરથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સ્થગિત કરી રહ્યો છે. આવતી કાલે તેઓ રાજ્ય અને દેશની ચૂંટણીઓ મુલતવી રાખશે. 

ભાજપ પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી કહે છે પણ આ પાર્ટી ગભરાઈને સાવ નાની આમ આદમી પાર્ટીથી ભાગી રહી છે.  તમારામાં હિંમત હોય તો એમસીડીની ચૂંટણી સમયસર કરીને બતાવો. ભાજપ દિલ્હીમાં સમયસર ચૂંટણી કરાવીને જીતી બતાવશે તો પોતે રાજકારણ છોડી દેશે. 

આ વીડિયો પર ભાજપ સમર્થકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, કેજરીવાલના રાજકારણ છોડવાના એલાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સામે આપના સમર્થકોનું કહેવું છે કે, ભાજપ સરકારે કેજરીવાલનો પડકાર ઉપાડીને સમયસર ચૂંટણી ના કરાવી અને હવે કેજરીવાલના રાજકારણ છોડવાનાં દીવાસ્વપ્નો જુએ છે.

દિલ્હીમાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને  એક કરી દેવાઈ પછી આ પહેલી ચૂંટણી છે.

પાકિસ્તાની ફિલ્મ મુદ્દે સરકાર મૂંઝવણમાં

પાકિસ્તાની ફિલ્મ 'ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ'ની રીલીઝના મુદ્દે સરકાર મૂંઝવણમાં છે. ભારતમાં ૨૩ ડિસેમ્બરે ફિલ્મ  રિલીઝ કરવાની ક્વાયત હાથ ધરાઈ છે. પંજાબીઓને આ ફિલ્મ બહુ ગમી હોવાનું કહેવાય છે પણ ફિલ્મ પાકિસ્તાનની હોવાથી તેને રીલીઝ કરવાની મંજૂરી આપવા જતાં રાજકીય નુકસાન થવાનો સરકારને ડર છે.

પાકિસ્તાનમાં ૧૩ ઓક્ટોબરે રિલીઝ થયેલી ફવાદ ખાન અને માહિરા ખાન અભિનીત તથા નિર્દેશક બિલાલ લશરીની આ ફિલ્મ પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.'

ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ'એ પાકિસ્તાનમાં ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. યુકેમાં તો બોક્સ ઓફિસ પર આરઆરઆર અને કેજીએફ ટુ કરતાં પણ તેની કમાણી વધારે છે.  વિદેશમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧ કરોડ ડોલરથી વધુની કમાણી કરી છે.

અત્યારે ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં રમવા પાકિસ્તાન મોકલવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ માહોલમાં પાકિસ્તાની ફિલ્મને ભારતમાં રીલીઝ કરવા દેવાય તો વિપક્ષોને મોટો મુદ્દો મળી જશે એવો પણ સરકારને ડર છે.

બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે હિંસાનાં એંધાણ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના નેતા રાજકુમાર મન્નાની હત્યા પછી ભાજપ-ટીએમસી કાર્યકરો સામસામે આવી જતાં તણાવનો માહોલ છે.  તૃણમૂલ કોંગ્રેસ ભાજપ તરફ આંગળી ચીંધી રહી છે જ્યારે ભાજપનું કહેવું છે કે, આંતરિક લડાઈમાં મન્નાની હત્યા થઈ છે. ભાજપને તેની સાથે કંઈ લેવાદેવા નથી પણ મમતા સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા ભાજપ પર દોષારોપણ કરી રહી છે. પૂર્વ મેદિનીપુર જિલ્લના અર્જૂન નગર વિસ્તારમાં તૃણમૂલના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયાં હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આખું ઘર ઉડી થયું છે. મેદિનીપુર જિલ્લાના કાંથીમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીની જાહેરસભા થવાની હતી. આ જાહેર સભા પહેલાં શુક્રવારે મોડી રાતે રાજકુમાર મન્નાના ઘરે વિસ્ફોટ થયો હતો. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે, બેનરજીની સભામાં જતાં લોકો ડરે એ માટે ભાજપે જ વિસ્ફોટ કરાવ્યો છે. રાજકુમાર મન્ના ઉપરાંત તેમના ભાઈ દેવકુમાર મન્ના અને વિશ્વજીત ગાયેનનાં આ ઘટનામાં મોત થયાં છે. મેદિનિપુર શુભેન્દુ અધિકારીનો વિસ્તાર હોવાથી ભાજપ શંકાના દાયરામાં છે.