×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપે લોકસભાની તૈયારીઓ શરૂ કરી, 5મીથી બે દિવસ રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાશે

અમદાવાદ, 3 ડિસેમ્બર 2022, શનિવાર

હજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થયું છે અને સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપે અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં 5 ડિસેમ્બરથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાશે. આ બેઠક 2 દિવસ સુધી ચાલશે. જેમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રીઓ સહિત તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીના રોડ મેપ અંગે ચર્ચા કરવામાં આવશે. 

ભાજપે કેન્દ્રીય મંત્રીઓને 144 બેઠકોની જવાબદારી સોંપી
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટીની બે દિવસીય બેઠક મળવાની છે. વડાપ્રધાન મોદી આ બેઠકના સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. બેઠકમાં મંડળ, બૂથ સમિતિથી લઈને વિભિન્ન સંગઠનાત્મક પ્રવૃતિઓની સમીક્ષા કરવામાં આવશે. ગત લોકસભા ચૂંટણીમાં 144 બેઠકમાં ભાજપને હાર મળી હતી. આ તમામ બેઠકો જીતવા ભાજપે વિશેષ તૈયારી કરી છે. આ માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓને 144 બેઠકોની જવાબદારી સોંપી છે

આજે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે
છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ એડીચોટીનું જોર લગાવશે. નેતાથી લઇને અભિનેતા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયામાં રોડ શોથી થશે. બાદમાં દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જોષી અને ફિરોજ ઈરાની રોડ શો, જાહરે સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરશે. યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે. તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો કરશે. પરષોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો કરશે. આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોજ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

સોમવારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે
5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ સત્તા કાયમી રાખવા ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, તો 27 વર્ષથી શાસનથી અળગી રહેલી કોંગ્રેસ પણ એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી  છે. આ તરફ આમ આદમી પાર્ટી પણ પરિવર્તની આશથી પ્રચંડ પ્રચાર કરી રહી છે. જો કે આજે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ રાતે 5 વાગ્યે શાંત થઈ જશે. જે બાદ રાજકીય પક્ષો માત્ર ડોર-ટુ-ડોર પ્રચાર જ કરી શકશે. જો કે પ્રચારમાં ઉમટતી ભીડનો ઝુકાવ કોના તરફ રહેશે તેના પરથી 8 ડિસેમ્બરે પડદો ઉઠશે.