×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: PM મોદીએ ફરી કોંગ્રેસને આડે હાથ લીધી, 500 વર્ષ પહેલાની મૂર્તિ તોડવાની ઘટનાની યાદ અપાવી

અમદાવાદ, તા.02 ડિસેમ્બર-2022, શુક્રવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં ભરપુર વેગ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આવતીકાલે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે, ત્યારે ભાજપના પક્ષમાં યુદ્ધસ્તરે ચૂંટણી પ્રચાર કરવામાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પણ ગુજરાતમાં ચાર ચૂંટણી સભાઓને ગજવી હતી. આ દરમિયાન તેમણે ફરી એક વાર કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

ભાજપ અને કોંગ્રેસના વિચારધારામાં અંતર

પીએમ મોદીએ ગુજરાતના આણંદમાં યોજાયેલી એક જનસભામાં સંબોધન કરતા કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ હાલ ઈવીએમ-ઈવીએમ બોલવા લાગી છે. જોકે તેમની માનસિકતા ગુલાબોવાળી છે અને તેમના સમયમાં માત્ર કૌંભાડો થયા છે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપની વિચારધારામાં ઘણું અંતર છે.

લોકોને જાતિના નામે લડાવે છે કોંગ્રેસ

વડાપ્રધાને કહ્યું કે, પાવાગઢમાં 500 વર્ષ પહેલા આક્રમણકારો દ્વારા માતા કાલીની મૂર્તિ તોડવામાં આવી હતી. જોકે કોંગ્રેસે તે મૂર્તિ બનાવી નહીં. કોંગ્રેસ અંગ્રેજો જેવું કામ કરે છે અને લોકોને જાતિના નામે લડાવે છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, સૌથી જુનો પક્ષ હારને જોઈને ઈવીએમ પર આરોપ લગાવે છે. તેમણે કહ્યું, સરદાર સાહેબે ભારતને એક કર્યું હતું. સરદાર સાહેબ અંગે કોંગ્રેસના નેતાઓને પ્રશ્નો પુછવા જોઈએ. કોંગ્રેસ પક્ષે સરદાર સાહેબનું અપમાન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસને તમે સજા આપો...

મને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મળ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોજિત્રામાં આયોજીત એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી વિકાસશીલ ગુજરાતના સપનાને લઈને નિકળી છે. તેમણે કહ્યુ કે, આ એ જ ભૂમિ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે, મને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે. 

બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર શનિવારે સાંજે પૂર્ણ થશે

ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીના પ્રથમ તબક્કામાં 63 ટકાથી વધુ મતદાન થયું. ચૂંટણીના બીજા તબક્કાનું ચૂંટણી પ્રચાર અભિયાન 3 ડિસેમ્બર શનિવારે સાંજે 5.00 વાગે પૂર્ણ થઈ જશે અને બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાવાનું છે, જ્યારે બંને તબક્કાનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે.