×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધી PM મોદીનો રોડ શો, ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા


અમદાવાદ,2ડિસેમ્બર 2022, શુક્રવાર

અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ શહેરની તમામ બેઠકો કવર થઈ જાય તે રીતે રોડ શો યોજ્યો હતો.હવે તેઓ ફરીવાર અમદાવાદમાં રોડ શો યોજી રહ્યાં છે. તેમણે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં પૂજા પણ કરી હતી. રોડ શો બાદ તેઓ સભા સ્થળે પહોંચીને જનસભાને સંબોધિત કરશે.  આજે શાહીબાગ, ડફનાળા, ઘેવર સર્કલ, નમસ્તે સર્કલ, દિલ્લી દરવાજા, લકી રેસ્ટોરેન્ટ, વીજળી ઘર, ભદ્રકાળી મંદિર, IP મિશન, કોર્પોરેશન, આસ્ટોડિયા, રાયપુર દરવાજા, સાળંગપુર થઇ સરસપુર સુધીના રૂટ પર વડાપ્રધાન રોડ શો કરી રહ્યાં છે. રોડ શોના રૂટ પર નાગરીકો ઉમટી પડ્યાં છે. 

ગઈકાલે નરોડાથી ચાંદખેડા સુધી રોડ શો કર્યો હતો
ગઈકાલે વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં 38 કિ.મીનો રોડ શો કર્યો હતો. આ રોડ-શો દરમિયાન 35 જેટલા પોઈન્ટ પર સ્વાગત કરવાનું આયોજન કરાયું હતું. દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 38 રેલીઓ અને 3 રોડ-શો કરી ચુક્યા છે. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 14 વિધાનસભા બેઠકો કવર કરી દેવાઈ છે. આજે પણ પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.


કોટ વિસ્તારમાં ભાજપને મજબૂત કરવા પ્રયાસ
આજે શહેરના મેગા રોડ શો બાદ જ્યાં હાલમાં ભાજપ નબળી પડી રહી છે, એવા કોટ વિસ્તારમાં આવેલી વિધાનસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી જે વિસ્તારમાંથી અત્યારે રોડ કરી રહ્યાં છે તે વિસ્તાર લઘુમતી સમાજનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. દરીયાપુર અને જમાલપુર બંને વિધાનસભાના બોર્ડર વિસ્તારમાંથી આ રોડ શો યોજાઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બેઠકો વધે તેના પ્રયાસો કરી રહી છે, ત્યારે અમદાવાદની તમામ 16 વિધાનસભા બેઠક કબજે કરવા કોટ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે વડાપ્રધાન મોદીનો રોડ શો યોજવામાં આવ્યો છે.


આ વખતે મોદીની કુલ સભાનો આંકડો ચોંકાવનારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન સોમવારે પાંચ ડિસેમ્બરે યોજાશે. ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં સરકારી અને ભાજપના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. તેમણે ગુજરાતમાં કુલ 38 સભાઓ સંબોધી છે. જ્યારે રાજ્યની 100થી વધુ બેઠકો પર પ્રચાર કર્યો છે. હવે તેઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યાં છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓની ફોજ પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગઈ છે.