ચૂંટણી પૂર્ણ થતાં જ સુરતમાં હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

ચૂંટણી પૂર્ણ થતાં જ સુરતમાં હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી પણ ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલુ રહ્યાં છે. પરંતુ હવે મતદાન પુરૂ થતાં જ સુરતમાં ફરીવાર દરોડા પડ્યાં છે. હીરા ઉદ્યોગ અને બિલ્ડરોને ત્યાં સુરતમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે. વહેલી સવારથી જ છ વાગ્યાથી આવકવેરા વિભાગે 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યાં છે. મતદાન બાદ અચાનક દરોડા પડવાથી બિલ્ડરોમાં સોંપો પડી ગયો છે. બીજી તરફ હિરા ઉદ્યોગમાં પણ ફફડાટ ફેલાયો છે. 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે.

હીરા ઉદ્યોગ અને બિલ્ડર લોબીમાં ફફડાટ

ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતાં ઉદ્યોગકારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. હીરાની સાથે સાથે આઈટી વિભાગ દ્વારા બિલ્ડરલોબીને પણ વરુણીમાં લેવામાં આવી છે. રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ રેડની કામગીરી કરવામાં આવી છે, જેથી દિવાળી બાદ બિલ્ડિંગ વ્યવસાયમાં જોવા મળી રહેલી તેજીની સામે રેડથી ડરનો માહોલ પેદા થયો છે.

મોટા નામ ઝપેટમાં આવે તેવી શક્યતા

આવકવેરા ખાતાનાં સૂત્રોએ જણાવ્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે. ત્રણેયનાં રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. 40 જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

100થી વધુ અધિકારીઓની 20થી વધુ સ્થળે રેડ

વહેલી સવારે છ વાગ્યાથી શરૂ થયેલી રેડની કામગીરીમાં સુરતની સાથે સાથે વડોદરા સહિતના અધિકારીઓ પણ જોડાયા છે. અંદાજે 100થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.સુરત શહેરમાં વેસુથી લઈને હીરા ઉદ્યોગકારોનાં ઘર અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીનાં અલગ અલગ અંદાજે 20થી 22 કરતાં વધુ સ્થળો પર રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બેનામી સંપત્તિ ઝડપાવાની આશંકા

આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં દિવાળી બાદ બિલ્ડરલોબી દ્વારા બ્લેકમાં કરાયેલા ધંધા તથા હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવા છતાં દિવાળી પહેલાં દબાવી રાખવામાં આવેલા નફાને લઈને બેનામી સંપત્તિ મોટી માત્રામાં બહાર આવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદાનના બીજા જ દિવસે રેડ પડતાં લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ન આપ્યો હોવાથી તેમના પર રેડ પડી છે.

Share: