×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટનું સર્વર ડાઉન થતા અંધાધૂંધી ફેલાઇ


પ્રવાસીઓની પરેશાનીનો પાર ન રહ્યો

પ્રવાસીઓની તપાસ, બેગેજ કાઉન્ટર અને બોર્ડિંગ પાસ આપવા સહિતની કામગીરી ઠપ થઇ ગઇ

મુંબઇ :  દેશના સૌથી વ્યસ્ત એવા મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સાંજે અચાનક સર્વર ડાઉન થઇ જતા એરપોર્ટનું મોટા ભાગનું કામકાજ ઠપ્પ થઇ ગયુ ંહતું. સર્વર ડાઉન થઇ જતા ચેકઇન કરવાના પ્રયાસોમાં અનેક અડચણો આવી રહી હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. સર્વર ડાઉન થઇ ગયું હોવાથી આ સમસ્યા આવી રહી હોવાનું કહેવામાં આવ્યું  હતું. આ ટેકનિકલ સમસ્યાને ઉકેલવા માટે એરપોર્ટ વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું હતું. અંતે દોઢ થી બે કલાકની ભારે જહેમત બાદ મુંબઇ ટી-૨ એરપોર્ટ પરના તમામ સર્વર કામ કરતા થઇ જતા પ્રવાસીઓ સહિત વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

આજે સાજે  અચાનક મુંબઇ એરપોર્ટ પરનું સર્વર  પૂર્ણપણે ડાઉન થઇ જતા પ્રવાસી ડેટા બાબતનું કામ પણ ઠપ્પ થઇ ગયું હતું. પરીણામે પ્રવાસીઓની તપાસ, બેગેજ કાઉન્ટર ચેકઇન પ્રક્રીયા તેમજ બોર્ડીગ  પાસ આપવાનું કામ થંભી ગયું હતું. આ સંદર્ભે મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યરત સીઆઇએસએફની માહિતી મુજબ એરપોર્ટ પર સર્વર ડાઉન થઇ જતા સામાન્ય સંજોગોમાં રહેતી ભીડ થોડી વધી ગઇ હતી. પણ ભીડનું યોગ્ય વ્યવસ્થાપન હાથ ધરી મેન્યુઅલ પાસ આપવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી.

એરપોર્ટ ઓથોરિટી તરફથી પણ આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે સમાધાન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. અનેક ટ્વિટર યુઝર્સે ભીડના ફોટો પાડી શેર કર્યા હતા. આ સંદર્ભે એર ઇન્ડિયાએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમે સમજીયે છીએ કે વિલંબ નક્કી જ અસ્વસ્થ કરે તેવો છે, અમારી ટીમ ગેરસુવિધા દૂર કરવા પરિશ્રમપૂર્વક કામ કરી રહી છે. આગામી  અપડેટ માટે અમે તમારા સંપર્કમાં રહીશું.'

આ ઘટના બાદ એવું બહાર આવ્યું હતું કે મુંબઇમાં કોઇક સ્થળે ચાલી રહેલ  કામ દરમ્યાન નેટવર્ક કેબલ કપાઇ જતા આ સમસ્યા ઉદ્ભવી હતી. જોકે સમસ્યાનો ઉકેલ થઇ જતા સાંજે સાત વાગ્યા બાદ એરપોર્ટનું કામ રાબેતા મુજબ શરૃ થઇ ગયું હતું.