×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ચૂંટણી : કેમ સિનિયર નેતાઓ ચૂંટણી ન લડ્યા ? પૂર્વ CM વિજય રૂપાણીએ જણાવ્યું કારણ

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. પ્રચારકો એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણી પર ટકેલી છે. તેનુ એક કારણ એ પણ છે કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. 

ચુંટણી ન લડવાના કારણ મુદ્દે વિજય રૂપાણીનો જવાબ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ન લડવાના પાછળના કારણ અંગે જણાવતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ વખતે યુવાઓને મોકો મળે તે માટે ભાજપના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો હતો અને એ માટે અમે બધા સિનિયર નેતાઓ એક સૂર થઈ ચુંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ વધુમાં જણાવતા કહ્યું કે, આ વખતે પાર્ટીએ રાજકોટમાં નવા લોકોને મોકો આપ્યો છે અને ચારેય બેઠક પર અમારી જીત નક્કી જ છે કારણ કે, રાજકોટ વર્ષોથી ભાજપનું ગઢ છે.

આ અંગે વધુ જણાવતાં રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના 15 ધારાસભ્યો ભાજપમાં આવી ગયા હોવાથી આ વખતે કોંગ્રેસ ખુબ નિરાશ છે. આ વખતે કોંગ્રેસ માત્ર પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. તો બીજી બાજુ કેજરીવાલ કોંગ્રેસની બેઠકોમાંથી જીત મેળવશે તેવું માને છે, પરંતુ આ વખતે માહોલ અમારી તરફેણ છે એવો વિજય રૂપાણીએ દાવો કર્યો હતો. 

તો શું એ રાવણની જેમ એક કરતા વધુ માથા ધરાવે છે ? મલ્લિકાર્જુન ખડગે

ગઇકાલે અમદાવાદમાં ગુજરાત ચુંટણીના પ્રચારને લઇને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન મોદીને લઇને એક નિવેદન કર્યુ હતું. તેમણે કહ્યું કે મોદી લોકોને પોતાનો ચહેરો જોઈ મત આપવા હાંકલ કરે છે. તો શું એ રાવણની જેમ એક કરતા વધુ માથા ધરાવે છે ? કે અલગ-અલગ મતની માગણી કરો છો ? જેને લઈને ભાજપના નેતાઓએ વિરોધ દાખવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને ખડગેના નિવેદન સામે પ્રતિક્રિયા આપ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ માત્ર પોતાના અસ્તિત્વ માટે લડે છે : રૂપાણી

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેના વિવાદિત નિવેદન પર વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વડાપ્રધાનની રાવણ સાથેની તુલના એ ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાત ચુંટણી ટાણે આ નિવેદનથી કોંગ્રેસને ભારે નુકસાન થશે. ગુજરાતીઓ આ ટિપ્પણીને ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યું કે 2017માં કોંગ્રેસની લહેર હતી એટલે કોંગ્રેસ એમ માનતી હતી કે અમારી સરકાર બનશે. કારણ કે તે વખતે પાટીદાર આંદોલન, ઉનાકાંડને લઇને કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી. પરંતુ 5 છેલ્લા વર્ષમાં કોઇ આંદોલન થયું નથી. એટલે આ વખતે પણ આ અમારી જીત નક્કી છે.