×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છેલ્લા દોઢ મહીનામાં PM મોદીની સૌરાષ્ટ્ર ખાતે 4થી સભા, AAP થી ડર કે પછી અન્ય કારણ…


રાજકોટ, તા. 28 નવેમ્બર 2022, સોમવાર

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતપોતાની રાજકીય ચાલથી એકબીજાને પછાડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકારણની પાઠશાળા રહી છે. રાજકારણમાં સૌરાષ્ટ્રનો સીધો છેડો રાજકોટ માનવા આવે છે. રાજકોટથી ખુદ વડાપ્રધાન પ્રથમ ચૂંટણી લડ્યા હતા. ત્યારે વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોદી સતત રાજકોટ પર ધ્યાન આપી રહ્યા છે. રાજકોટને આટલું બધુ મહત્ત્વ કેમ ? રાજકીય વિશ્લેષકોના મતે મુખ્ય પાંચ કારણ હોવાનું  જાણવા મળે છે. જેમાં આંતરિક જૂથવાદ, નવા ચહેરાઓને સ્થાન, જુના ચહેરાઓની બાદબાકી, કાર્યકરોમાં અને પ્રજામાં ખૂબ જ નીરસતા, ત્રીજા પક્ષના જોરનો ડર તેમજ 2017ના ભંગાણવાળો ઈતિહાસનો સમાવેશ થાય છે. આજે ભાજપ પાસે માત્ર એક જ ચહેરો એવો છે PM નરેન્દ્ર મોદી.  આ તમામ અવરોધોને દૂર કરવા માટે ખુદ નરેન્દ્ર મોદી 40 દિવસમાં ચોથી વખત રાજકોટ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.

આજે નરેન્દ્ર મોદી રાજકોટની સભા ગજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે તેઓ રાજકોટ શહેરની મુલાકાત લેવાના છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબજે કરવા ખુદ નરેન્દ્ર મોદી મેદાને ઊતરી ગયા છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસો સુધી ગુજરાતના પ્રવાસે આવી સભા ગજવશે. આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આજે સભાને સંબોધન કરશે.

ગુજરાતના વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં નરેન્દ્ર મોદીની આજે ચોથી મુલાકાત 

  • 11 ઓક્ટોબરના રોજ પ્રથમ જામકંડોરણા 
  • 19 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર
  • 20 નવેમ્બરના રોજ ધોરાજી
  • 28 નવેમ્બર રાજકોટ શહેર (આજે ચોથી સભા)


ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ

રાજકોટને આમ તો ભાજપનો ગઢ કહેવામા આવે છે અને રાજકોટ મહાનગરમાં આવતી ચાર બેઠક  જેમાં રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્યનો સમાવેશ થાય છે. આ બેઠકો પૈકી એકમાત્ર રાજકોટ પૂર્વ બેઠક પર માત્ર એક વખત 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટાઇ વિધાનસભા સુધી પહોંચ્યા હતા. એ સમયે પણ ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થયો હતો. તેવી જ રીતે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે, જેમાં કાંઈ કાચું ના કપાય તે માટે અને ભાજપના ગઢને સાચવવા માટે ખુદ પ્રધાનમંત્રી મેદાને ઊતરવું પડ્યુ છે.

રાજકોટની બે બેઠક પર ભાજપ માટે જીતવું ઘણુ કઠિન

રાજકોટની દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ ફાળવી છે, પરંતુ એના પર આયાતીનું લેબલ ધરાવતા હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી કઠિન રહેશે. રમેશ ટીલાળાની વ્યક્તિગત ઇમેજ સારી છે. પરંતુ આ વખતે પ્રજાપતિ, બ્રાહ્મણ, લોહાણા સહિતના સવર્ણોનો ભય રહે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ  રહેલી છે. રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા પર આયાતીનું લેબલ તો રાજકોટ પૂર્વ બેઠક પર ઓબીસી ઉમેદવાર ઉદય કાનગડ.

રાજકોટ પૂર્વ બેઠક પર રસાકસીભર્યો જંગ ખેલાશે

રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપે ઓબીસીના ઉમેદવાર તરીકે ઉદય કાનગડને ટિકિટ ફાળવી છે.  કે જેઓ કાનગડમાં અત્યાર સુધીમાં મેયર, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દો શોભાવી ચૂક્યા છે. ત્યાર બાદ હવે તેમને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી છે ત્યારે સવર્ણોનો એક બહુ મોટો વર્ગ નારાજ છે. કોંગ્રેસે આ બેઠક પર ઈન્દ્રનીલ રાજ્યગુરુને મેદાને ઉતાર્યા છે. તેમણે 2012ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ રાહુલ ભૂવાને ઉતાર્યા છે. તેઓ પણ આ બેઠક પર સારૂ પ્રભુત્વ ધરાવે છે. જેના કારણે રાજકોટ પૂર્વ બેઠક પણ ભાજપ માટે જોખમમાં હોવાનું માનવામાં આવે છે.

સરેરાશ 69 ટકાથી વધુ અને 48.23 ટકાથી નીચું મતદાન થાય તો પરિણામ વિપરીત

રાજકોટ વિધાનસભાની ચારેય બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે કોની જીત થશે ? અને કોની હાર ? તે તો 8મી ડિસેમ્બરે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું અને ક્યા પક્ષનો કયો ઉમેદવાર કેટલી લીડથી જીત્યા એના પરથી આ ચૂંટણીમાં કેટલું મતદાન થશે તો કયા પક્ષને ફાયદો અને કોને નુકસાન એ સ્પષ્ટ થશે. આ વખતે ચારેય બેઠક પર સરેરાશ 69 ટકાથી વધુ અને 48.23 ટકાથી નીચું મતદાન થાય તો પરિણામ વિપરીત આવી શકે એમ છે.

વર્ષ 2007માં રાજકોટની ત્રણ બેઠક હતી, જે પૈકી રાજકોટ-1 હાલની વિધાનસભા 68 બેઠક પર 52.70 ટકા મતદાન થયું હતું. ત્યારે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ પટેલની 38643 મતની લીડથી જીત થઈ હતી, રાજકોટ-2 હાલની વિધાનસભા 69 બેઠકમાં 52.56 ટકા મતદાન થયું હતું અને ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળાનો 9856 મતથી વિજય થયો હતો, અને રાજકોટ ગ્રામ્યમાં 48.23 ટકા મતદાન થયું હતું, ત્યારે ભાનુબેન બાબરિયાની 41398 મતની લીડ સાથે જીત થઇ હતી. જ્યારે વર્ષ 2012માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી.