×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીર, મ.પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ઠંડી વધી


શ્રીનગર, તા. ૨૭

કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે જવાની સાથે જ શ્રીનગરમાં આ સિઝનની સૌથી ઠંડી રાત્રિ નોંધવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં શનિવાર રાતે લઘુતમ તાપમાન માઇનસ ૨.૧ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું. જે આ સિઝનનું સૌથી ઓછું છે. તેમણે જણાવ્યું હતું કે રાતનું તાપમાન આ ઋતુ માટે સામાન્યથી ૧.૨ ડિગ્રી ઓછું નોંધવામાં આવ્યું છે.

દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથા યાત્રાના આધાર શિબિર પૈકીના એક પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટમાં તાપમાન માઇનસ ૩.૪ ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું હતું. ખીણમાં આ સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના લોકપ્રિય ટુરિસ્ટ રિસોર્ટ ગુલમર્ગમાં તાપમાન માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ખીણના પ્રવેશ કેન્દ્ર કાઝીગુંડમાં લઘુતમ તાપમાન માઇનસ ૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જ્યારે ઉત્તર કાશ્મીરના  કુપવાડામાં તાપમાન માઇનસ ૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. કોકેરનાગમાં માઇનસ ૦.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

લદ્દાખના લેહ શહેરમાં તાપમાન માઇનસ ૭.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે દ્રાસમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાનમાં વધારે ઘટાડો થઇ શકે છે.

બીજી તરફ ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાનું શરૃ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં ૧૮ સ્થળોએ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ બની રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના ભોપાલ કાર્યાલયના જણાવ્યા મુજબ બાલાઘાટ જિલ્લામાં મલજખંડમાં લધુતમ તાપમાન ૬.૩ ડિગ્રી સેલ્સિયસ જ્યારે નર્મદાપુરમ જિલ્લાના પચમઢીમાં લઘુતમ તાપમાન ૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ ઉપરાંત રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.