×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જૂની પેન્શન યોજના લાગુ થશે તો ભવિષ્યમાં શું થશે ? નીતિ આયોગના ઉપાધ્યક્ષે ચિંતાજનક વાત કહી

નવી દિલ્હી,તા.27 નવેમ્બર 2022, રવિવાર

જૂની પેન્શન યોજના (ઓપીએસ)ને લાગુ કરવાની માંગ વચ્ચે નીતિ આયોગના ઉપાધ્યક્ષે મોટું નિવેદન આપ્યું છે. આ બાબતને લઈ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ યોજના લાગુ કરાયા બાદ ભવિષ્યના કરદાતાઓ પર બોજ વધશે. વર્તમાન સમયમાં ભારતની નાણાંકીય સ્થિતિ શ્રેષ્ઠ કરવા પર ધ્યાન આપવું જોઈએ. વાસ્તવમાં કેટલાક રાજ્યો જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. તો ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ મોટાભાગના પક્ષો જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે.

નીતિ આયોગના ઉપાધ્યક્ષે જુની પેન્શન યોજના લાગુ કરવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જૂની પેન્શન યોજના લાગુ કરવાથી તેની અસર વર્તમાન કરદાતાઓ પર નહીં પણ ભવિષ્યના કરદાતાઓ અને નાગરિકો પર પડશે.

બેરીએ રાજકીય પક્ષોને આપી સલાહ

બેરીએ કહ્યું કે, રાજકીય પક્ષોએ અનુશાસનનું પાલન કરવું જોઈએ. આપણે બધા ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે.

આ રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું

રાજસ્થાન અને છત્તીસગઢ જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોએ પહેલેથી જ જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તો આ યોજના અંગે ભાજપ શાસિત હિમાચલ પ્રદેશે વચન આપ્યું છે કે જો તે સત્તામાં આવશે તો યોજના લાગુ કરી દેશે. ઝારખંડે જૂની પેન્શન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબે પણ તાજેતરમાં યોજનાના પુનઃ અમલીકરણને મંજૂરી આપી છે.

જૂની પેન્શન યોજના શું છે?

જૂની પેન્શન યોજના હેઠળ પેન્શનની સંપૂર્ણ રકમ સરકાર આપતી હતી. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર દ્વારા આ યોજનાને 1 એપ્રિલ, 2004થી બંધ કરાઈ હતી. નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓ તેમના મૂળ પગારના 10% પેન્શનમાં ફાળો આપે છે, જ્યારે આમાં રાજ્ય સરકાર 14 ટકા ફાળો ઉમેરે છે.

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની ખાતરી આપનાર પક્ષને જ મત આપશે

દરમિયાન ગુજરાત ચૂંટણીને લઈને ગુજરાતના 12 લાખ પેન્શનર્સનો નિર્ણય કર્યો હતો કે, આ ચૂંટણીમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની ખાતરી આપનાર પક્ષને જ મત આપશે. આ અંગે ગુજરાત સરકારના તમામ પેન્શનર્સ એસોસિયેશનોએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો.  ઉલ્લેખનિય છે કે, નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ ચાલુ કરવામાં આવેલી લડતનો પડઘો સમગ્ર દેશમાં પડયો છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આ  મુખ્ય મુદ્દો છે. આ લડતના પડઘા પડયા છે. રાજસ્થાન, છતિસગઢ, ઝારખંડ અને પંજાબ જેવી સરકારોએ જૂની પેંશન યોજનાનો અમલમાં મૂકી છે. પશ્ચિમ બંગાળ એક માત્ર એવી સરકાર છે જેણે નવી પેન્શન યોજના અમલમાં જ મૂકી નથી. 

પંજાબમાં જૂની પેન્શન યોજના લાગૂ

પંજાબમાં 18 નવેમ્બરના રોજ કેબિનેટની મિટિંગ મળી હતી, જેમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમને પણ મંજૂરી આપી દીધી હતી. બેઠક બાદ સીએમ માને કહ્યું કે, રાજ્ય સરકાર પૂરી પારદર્શિતા સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો પહેલા લક્ષ્યાંક ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપવાનું છે. માને કહ્યું કે, અમે વિધાનસભાની કાર્યવાહીને લાઈવ બતાવી છે, તેનો ઉદ્દેશ્ય હતો કે, લોકોને એ ખબર પડે કે, વિધાનસભામાં શું શું થાય છે.