×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેનને ઘૂંટણીએ પાડવા પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં


- યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા વધુ આક્રમક બન્યું

- રશિયા સામે યુક્રેનને પુરુ સમર્થન, યુદ્ધની અંતિમ પળો સુધી અમે સાથે છીએ : નાટોનું એલાન

- રશિયાના હુમલાથી નાશ પામેલો વીજળી, પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હોવાનો યુક્રેનનો દાવો

કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે નાટોએ એલાન કરી લીધુ છે કે અમે યુક્રેનને જોઇએ તે દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છીએ અને અંતિમ પળ સુધી તેને સાથ આપીશું. નાટોએ એમ પણ કહ્યું છે કે હવે આ યુદ્ધમાં નાટો પાછીપાની નહીં કરે. જેને પગલે રશિયાના પ્રમુખ પુતિન ઉશ્કેરાયા હતા. પુતિને યુક્રેન પર હવે કેમિકલ હુમલાની તૈયારી કરી લીધી છે અને ગમે ત્યારે આ હુમલો કરવામાં આવી શકે છે. 

યુક્રેન પર રશિયાની પકડ ધીમે ધીમે ઓછી થઇ રહી છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી લઇને અત્યાર સુધી પૂતિનની કોઇ જ રણનીતિ કામ નથી કરી રહી. એટલુ જ નહીં રશિયન સૈન્ય દ્વારા જે વિસ્તારો પર કબજો કરવામાં આવ્યો હતો તેને યુક્રેન દ્વારા પરત લઇ લેવામાં આવી રહ્યા છે. અને પુતિને પાછળ હટી જવુ પડયું છે. એવામાં પુરી શક્યતાઓ છે કે હવે પુતિન આરપારની લડાઇના મુડમાં છે અને યુક્રેનને ઘૂંટણીએ પાડવા માટે જનતા પર કેમિકલ હુમલો કરી શકે છે. જે માટે તે ખતરનાક ગણાતા નોવિચોક ઝેરનો ઉપયોગ કરી શકે છે. 

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પુતિન યૂક્રેન સામે ઘાતક હુમલામાં ખતરનાક ગણાતા નોવિચોક ઝેરનો ઉપયોગ કરી શકે છે. આ એ જ કેમિકલ હથિયાર છે કે જેનો અગાઉ રશિયા ઉપયોગ કરી ચુક્યું છે. પૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલને મારવા માટે તે આ હથિયારનો ઉપયોગ કરી ચુક્યું છે. દરમિયાન આ પ્રકારનો હુમલો થાય તો તેનો જવાબ આપવા માટે અમેરિકાએ પણ તૈયારી કરી લીધી છે. જો આ પ્રકારનો હુમલો થાય તો યુરોપિયન દેશો તૈયાર રહે તેવુ અમેરિકા ઇચ્છે છે. તેથી કોઇ મોટી રણતીની તૈયાર કરવામાં આવી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. 

દરમિયાન યુક્રેન પર રશિયાએ જે હુમલા કર્યા તેને કારણે વિજળી, પાણી પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. જેને હવે ફરી શરૂ કરવાની યુક્રેન તૈયારી કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે લાખો લોકોને ત્યાં ફરી વિજળી શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે હવે નાટો પણ યુક્રેનને પુરુ સમર્થન આપવા માટે તૈયાર છે. જેમાં તે યુક્રેનને યુદ્ધ માટે બધા જ પ્રકારના હથિયારો વધુ પ્રમાણમાં પુરા પાડશે. નાટોના અધ્યક્ષ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું હતું કે આગામી દિવસોમાં અમે અન્ય સભ્ય દેશોને પણ યુક્રેનને મદદ કરવા માટે અપીલ કરીશું, જે માટે યુક્રેનને દૂર સુધી હુમલો કરનારી મિસાઇલો પણ પુરી પાડશે. જેમાં તેને ડિફેન્સ સિસ્ટમ પણ પુરી પાડવામાં આવી શકે છે.