×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તૃણમૂલની માન્યતા રદ કરવા હાઈકોર્ટની મમતાને ચિમકી


- શિક્ષક ભરતી કૌભાંડ : મમતા સરકાર પર કલકત્તા હાઈકોર્ટ તાડૂકી

- શિક્ષકોની ગેરકાયદે ભરતી માટેનું જાહેરનામું પાછુ નહીં ખેંચાય તો આખી રાજ્ય કેબિનેટને સમન્સ પાઠવવા પણ કોર્ટની ચેતવણી

- અયોગ્ય શિક્ષકોની ગેરકાયદે ભરતીમાં વધારાના પદો ઊભા કરવા રાજ્ય કેબિનેટે નિર્ણય લીધો હોવાનો શિક્ષણ સચિવનો દાવો

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસ પર રાજકીય પક્ષ તરીકેની માન્યતા અને લોગો રદ થવાનું જોખમ સર્જાયું છે. શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે કલકત્તા હાઈકોર્ટમાં શિક્ષણ સચિવ મનીષ જૈનના જવાબોથી ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે રાજ્ય સરકારને એક રાજકીય પક્ષ તરીકે તૃણમૂલ કોંગ્રેસની માન્યતા અને લોગો રદ કરવા ચૂંટણી પંચને ભલામણ કરવાની ધમકી આપી હતી. આ સાથે તેમણે જરૂર પડશે તો બંગાળ કેબિનેટના દરેક સભ્યને સમન્સ પાઠવવાની પણ ચેતવણી આપી હતી.

પશ્ચિમ બંગાળમાં શિક્ષકોની ગેરકાયદે ભરતીના કૌભાંડના કેસની સુનાવણી સમયે ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે શુક્રવારે જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી પંચને તૃણમૂલ કોંગ્રેસની રાજકીય પક્ષ તરીકેની માન્યતા રદ કરવા અને તેનો લોગો પાછો ખેંચી લેવાનું જણાવવાનું ઐતિહાસિક પગલું ભરી શકે છે.

રાજ્યના શિક્ષણ સચિવ મનીષ જૈને બેન્ચને માહિતી આપી હતી કે, કથિત ગેરકાયદે રીતે ભરતી કરાયેલા શિક્ષકોનો સમાવેશ કરવા માટે રાજ્યમાં શિક્ષકોના વધારાના પદ ઊભા કરવા માટે પશ્ચિમ બંગાળ કેબિનેટે નિર્ણય લીધો હતો અને રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા તે અંગે આદેશ આપવામાં આવ્યો હતો. જૈનનું આ નિવેદન સાંભળીને ન્યાયાધીશ ગંગોપાધ્યાય ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના બંધારણ સાથે ચેડાં કરવાનો કોઈને અધિકાર નથી. હું ચૂંટણી પંચને એક રાજકીય પક્ષ તરીકે તૃણમૂલ કોંગ્રેસની માન્યતા રદ કરવા અને તેનો લોગો પાછો ખેંચી લેવા જણાવી શકું છું.

વધુમાં ન્યાયાધીશ ગંગોપાધ્યાયે સવાલ કર્યો હતો કે ગેરલાયક ઉમેદવારોની ગેરકાયદે નિમણૂકોને સમાવવા માટે રાજ્ય કેબિનેટ આ પ્રકારનો નિર્ણય કેવી રીતે લઈ શકે? રાજ્ય કેબિનેટે જાહેર કરવું પડશે કે અયોગ્ય શિક્ષકોની ગેરકાયદે ભરતીને તેનું કોઈ સમર્થન નહોતું અને કેબિનેટે વધારાના શિક્ષકોની નિમણૂક માટે ૧૯ મેના રોજ બહાર પડાયેલું જાહેરનામું પણ પાછું ખેંચવું પડશે. અન્યથા મારે એવો નિર્ણય કરવો પડશે, જે દેશના ઈતિહાસમાં ક્યારેય લેવાયો નથી. મારું માનવું છે કે રાજ્યમાં લોકતંત્ર યોગ્ય હાથોમાં નથી અથવા લોકતંત્ર યોગ્ય રીતે ફૂલ્યુ-ફાલ્યું નથી.

ન્યાયાધીશ ગંગોપાધ્યાયે ચેતવણી આપી હતી કે, જરૂર પડશે તો તેઓ આ કેસમાં આખી રાજ્ય કેબિનેટને પક્ષકાર બનાવશે અને પ્રત્યેક સભ્યને સમન્સ પાઠવશે. જરૂર પડશે તો બધા સામે કારણદર્શક નોટિસ પણ ઈશ્યુ કરશે. સુનાવણી દરમિયાન મનીષ જૈને ન્યાયાધીશ ગંગોપાધ્યાયના અનેક ધારદાર સવાલોનો સામનો કરવો પડયો હતો. તેમણે સવાલો કર્યા હતા કે, શું તમને લાગે છે કે ભારતના બંધારણનો ભંગ કરીને કેબિનેટ આવો નિર્ણય કેવી રીતે લઈ શકે? કેબિનેટના સભ્યો આવો નિર્ણય લેતા કોઈએ ચેતવ્યા નહીં?

કલકત્તા હાઈકોર્ટના સવાલોના જવાબમાં જૈને જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો તે સમયે તેઓ ત્યાં હાજર નહોતા. તેમણે હાઈકોર્ટને માહિતી આપી હતી કે શિક્ષણ મંત્રીએ વધારાના પદો ઊભા કરવા કહ્યું ત્યારે તેમને કાયદાકીય સલાહ લેવા જણાવાયું હતું. ત્યાર પછી ન્યાયાધીશ ગંગોપાધ્યાયે સવાલ કર્યો હતો કે શું ગેરકાયદે નિમણૂકો કરવી એ રાજ્ય સરકારની નીતિ છે?

કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ બંદોપાધ્યાય રાજ્ય સરકારની ઝાટકણી કાઢી રહ્યા હતા તેવા સમયે સુપ્રીમ કોર્ટે શુક્રવારે શિક્ષક ભરતી કૌભાંડમાં કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકી દીધો હતો. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ કેન્દ્રીય વિદ્યાલય સેવા આયોગ (એસએસસી) દ્વારા દાખલ અરજીની સીબીઆઈ તપાસનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ હેમા કોહલીની બેન્ચે કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેન્ચના પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મનિષ જૈનને સમન્સ પાઠવવા પર પણ સ્ટે મૂક્યો હતો. આ કેસની સુનાવણી વખતે રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ બેન્ચને કહ્યું કે, હું અહીં દલીલો કરી રહ્યો છું ત્યારે પ્રિન્સિપાલ સેક્રેટરી મનીષ જૈન હાઈકોર્ટના કઠેડામાં ઊભા છે. આ અંગે સીજેઆઈએ કલકત્તા હાઈકોર્ટના આદેશો પર સ્ટે મૂકતા કહ્યું કે, હાઈકોર્ટના આદેશો પર સ્ટે રહેશે. આ સાથે તેમણે રાજ્ય સરકારની અરજીને ત્રણ સપ્તાહ પછી લિસ્ટિંગ કર્યું હતું. કલકત્તા હાઈકોર્ટે ૨૩મી નવેમ્બરે એસએસસી દ્વારા દાખલ અરજીની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશો પર સીબીઆઈ પહેલાંથી જ ગેરકાયદે ભરતીઓની તપાસ કરનારા સ્કૂલોની તપાસ કરી રહી છે.