×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાયલટને ‘ગદ્દાર’ કહેવું અશોક ગેહલોતે ભારે પડ્યું, પોતાના MLAએ આપ્યો ધગધગતો જવાબ

જયપુર, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર

રાજસ્થાનમાં કેટલાક મહિનાઓથી કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટને ‘ગદ્દાર’ કહ્યા હતા. ગેહલોતના આ ધગધગતા નિવેદન બાદ પોતાના ધારાસભ્યએ જ તેમને સળગતો જવાબ આપ્યો છે. અશોક ગેહલોત કેમ્પના ધારાસભ્ય હરીશ ચૌધરીએ ‘ગદ્દાર’વાળા નિવેદન પર કહ્યું કે, સચિન પાયલટ વિરુદ્ધ અશોક ગેહલોતે જે ભાષા બોલ્યા, તે તેમને શોભતી નથી.

ગેહલોતને પોતાના ધારાસભ્યએ જ આપ્યો જવાબ

દરમિયાન રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની એન્ટ્રી પહેલાં જ રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. તાજેતરમાં જ અશોક ગેહલોતે પાયલોટને ગદ્દાર કહ્યા હતા. આ નિવેદન બાદ ગેહલોત કેપના ધારાસભ્ય અને પંજાબના પ્રભારી હરીશ ચૌધરીએ CM વિરૂદ્ધ મોરચો ખોલી કાઢ્યો છે.

અશોક ગેહલોતને આવી ભાષા શોભતી નથી : હરીશ ચૌધરી

હરીશ ચૌધરીએ અશોક ગેહલોત પર કટાક્ષ કરતા કહ્યું કે, લોકો સત્તા પર જ રહેવા ઈચ્છે છે અને નવા લોકોને તક આપવા માંગતા નથી. હરીશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, પાયલટ વિરુદ્ધ ગેહલોતે જે ભાષા બોલ્યા, તે તેમને શોભતી નથી. તેમણે કહ્યું કે, આપણે ખરાબ ભાષાનો ઉપયોગ કરીએ, તેવી પરંપરા રાજસ્થાનની નથી.

રાજસ્થાનમાં કોંગ્રેસને ઉભી કરવા પાયલોટે ઘણી મહેનત કરી : વનમંત્રી

બીજી તરફ પાયલોટ જૂથના વન મંત્રી હેમારામ ચૌધરીએ જણાવ્યું કે, સચિન પાયલોટે રાજસ્થાનમાં કોંગ્રેસને ઉભી કરવા માટે ઘણી મહેનત કરી છે. કોંગ્રેસે મુખ્યમંત્રી ગેહલોતને બે વખત CM બનાવ્યા, જોકે પાર્ટીની ખરાબ રીતે હાર થઈ. ત્યારબાદ પાયલટે પક્ષને ઉભો કર્યો.

ગેહલોત જૂથના ખેલાડી વૈરવા પણ ‘ગદ્દાર’ નિવેદનથી આશ્ચર્ય પામ્યા

ગેહલોત જૂથના ધારાસભ્યએ કહ્યું કે, અમે બધા પણ ગેહલોતના ‘ગદ્દાર’વાળા નિવેદનથી આશ્ચર્ય પામ્યા છે કે, ગેહલોત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, રાજ્યના મુખ્યમંત્રી છે, તેમણે આવા શબ્દનો ઉપયોગ કર્યો.

સચિન પાયલટે વળતો જવાબ આપ્યો

આ નિવેદન બાદ સચિન પાયલોટે પણ પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે, મેં ગેહલોતની વાત સાંભળી. તેમણે ભૂતકાળમાં પણ મારા વિશે ઘણી ટિપ્પણીઓ કરી છે. આવા ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવાની હાલ જરૂર નથી. આજે જરૂર એ છે કે આપણે પક્ષને કેવી રીતે મજબૂત કરીએ.