×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચૂંટણી કમિશનરની નિમણૂક મુદ્દે અમને કેન્દ્ર પર ભરોસો નથી : સુપ્રીમ


- વીઆરએસ લીધાના બીજા જ દિવસે ચૂંટણી કમિશનર કેમ બનાવી દેવાયા 

- સમગ્ર નિમણૂક પ્રક્રિયામાં જ ખોટુ થયાની દલિલો બાદ કેન્દ્રને નિમણૂકની ફાઇલ રજૂ કરવા કોર્ટનો આદેશ

- ગુરુવારે વીઆરએસ મળ્યું, શનિવારે ચૂંટણી કમિશન બનાવ્યા, સોમવારે પદ પણ સંભાળી લીધું : ભૂષણ

નવી દિલ્હી : ચૂંટણી કમિશનરોની નિમણુંકની વર્તમાન સિસ્ટમ પર ખુદ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે સાથે જ કેન્દ્ર સરકારનો ઉધડો લેતા કહ્યું છે કે તમે હાલમાં જ ચૂંટણી કમિશનર નિમાયેલા અરુણ ગોયલની નિમણુંક કેવી રીતે કરી અને શું ધ્યાનમાં રાખીને તેમને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા, તેમજ નિમણુંક માટે કઇ પ્રક્રિયાને અનુસરવામાં આવી તેની સંપૂર્ણ જાણકારી આપતી ફાઇલ રજુ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ જોસેફની બેંચે જણાવ્યું હતું કે અમે મુખ્ય ચૂંટણી કમિશનર પદે અરુણ ગોયલની નિમણુંક કરી તે ફાઇલ જોવા માગીએ છીએ. 

દરમિયાન જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે અરુણ ગોયલની નિમણુંક પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તેને ગુરુવારે જ વીઆરએસ મળ્યું હતું અને સોમવારે તેને ચૂંટણી કમિશન તરીકે નિમણુંક પણ આપી દેવામાં આવી હતી. પ્રષાંત ભૂષણે કહ્યું હતું કે અરુણ ગોયલને વીઆરએસ આપ્યા બાદ અપોઇંટમેંટ મળ્યું છે. ચૂંટણી આયોગ તરીકે જેને પણ જવાબદારી મળે છે તે નિવૃત્ત કર્મચારી હોય છે. પણ તેઓ સરકારમાં સચિવના પદ પર રહ્યા છે. ગુરુવારે ચૂંટણી કમિશનરોની નિમણુંકોના મામલા પર કોર્ટમાં દલિલો શરૂ થઇ છે.  આ દરમિયાન શુક્રવારે ગોયલને વીઆરએસ આપવામાં આવ્યું હતું. જેના બીજા જ દિવસે એટલે કે શનિવાર કે રવિવારે તેમને ચૂંટણી કમિશનર પણ બનાવી દેવામાં આવ્યા હતા. જ્યારે સોમવારે તેઓએ હોદો સંભાળીને કામ પણ શરૂ કરી દીધુ હતું. ભૂષણે કહ્યું હતું કે આ પદ મે મહિનાથી ખાલી પડયું હતું. પણ એવુ તો શું કારણ રહ્યું કે આટલા દિવસ વિત્યા છતા કોઇ જ પગલા લેવામાં ન આવ્યા અને આ પદ પર ભરતી કરવામાં ન આવી. કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ જોસેફે પ્રશાંત ભૂષણના તર્ક પર જવાબ આપતા કહ્યું હતું કે કોઇ કર્મચારીને વીઆરએસ માટે ત્રણ મહિના પહેલા નોટિસ આપવાની હોય છે. જેના પર બાદમાં પ્રશાંત ભૂષણે ટકોર કરતા કહ્યું કે અમને શંકા છે કે ગોયલને સામાન્ય પદ્ધતીથી વીઆરએસ આપવામાં આવ્યું છે કે નહીં. તેથી કોર્ટે તેમની નિમણુંક અંગેની ફાઇલ જરૂર તપાસવી જોઇએ. 

જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે એટર્ની જનરલ આર. વેંકટરમનીએ પ્રશાંત ભુષણના તર્ક પર દલિલો કરતા જણાવ્યું હતું કે એવી કોઇ જ વાત નથી. અરુણ ગોયલની નિમણુંક સામાન્ય પ્રક્રિયા અંતર્ગત કરવામાં આવી હતી. જેના પર બાદમાં ન્યાયાધીશ જોસેફે ટકોર કરતા કહ્યું હતું કે જો નિમણુંક યોગ્ય રીતે જ કરવામાં આવી છે અને કઇ જ ખોટુ નથી કરવામાં આવ્યું તો પછી તેની સાથે જોડાયેલી ફાઇલ રજુ કરવામાં પણ કોઇ જ તકલીફ નહીં પડે. 

સરકારને સુપ્રીમ કોર્ટની ટકોર

વડાપ્રધાન સામે પણ કાર્યવાહી કરી શકે તેવા ચૂંટણી કમિશનરની જરૂર છે

- સરકારો  હામાં હા મેળવે તેવા અધિકારીને પદ સોંપવા માગે છે 

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુંકની પ્રક્રિયાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ચૂંટણી કમિશનરની નિમણુંક વરિષ્ઠતાના આધાર પર કરવામાં આવે છે. જ્યારે આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આપણે એવા ચૂંટણી કમિશનરની જરૂર છે કે જે વડાપ્રધાનની સામે પણ કાર્યવાહી કરી શકે.  

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચૂંટણી પંચની સ્વાયત્તતા પર સવાલો ઉઠાવ્યા હતા. અને ઉદાહરણ સાથે સરકારને પૂછ્યું હતું કે ક્યારેય કોઇ પીએમ પર આરોપ લગાવવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા તેની સામે એક્શન લેવામાં આવ્યું છે? 

બંધારણીય બેંચે સરકારને કહ્યું હતું કે તમે ચૂંટણી કમિશનરની નિમણુંકની સંપૂર્ણ પ્રક્રિયાને અમને સમજાવો. હાલમાં જ તમે એક ચૂંટણી કમિશનરની નિમણુંક કરી હતી. તેથી તમને સમગ્ર પ્રક્રિયા તો યાદ જ હશે માટે તમે આ પ્રક્રિયાને અમારી સમક્ષ રજુ કરો. ન્યાયપાલિકામાં પણ નિયુક્તિ પ્રક્રિયામાં બદલાવ આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નિમણુંક અંગે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે કોઇ પણ સરકાર એવુ જ ઇચ્છે કે તેની હામાં હા મેળવનારાને જ તે ચૂંટણી કમિશનર બનાવે. આમ કરવાથી સરકારને ઇચ્છા મુજબનું મળી જાય છે. સાથે જ અધિકારીઓને ભવિષ્યની સુરક્ષા મળી જાય છે. પણ સવાલ એ થાય કે આમ કરવાથી ચૂંટણી પંચની ગુણવત્તાનું શું થશે કે જેના પર અસર થઇ રહી છે. બાદમાં ન્યાયાધીશ કેએમ જોસેફે કહ્યું કે એવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂર છે કે જે વડાપ્રધાનની સામે પણ કાર્યવાહી કરી શકે.