×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર કોણ ? જુઓ યાદી


અમદાવાદ,તા.21 નવેમ્બર-2022, સોમવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતદાનની તારીખ નજીવ આવી રહી છે. તમામ પક્ષોના ઉમેદવારોના લેખા-જોખાં ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. મતદાનના દિવસની સાથે સાથે મત ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. સ્ટાર પ્રચારકો પણ પોતાના પક્ષને જીતાડવા અને મતદારોને રિઝવવા થનગની રહ્યા છે. કોઈક ઉમેદવારો બેન્ડ-બાજા, DJના તાલે, ધૂમ-ધડાકા સ્ટાઈલમાં રેલી કાઢી રહ્યા છે, તો કોઈક ઉમેદવારો પગપાળા લોકોના ઘરે-ઘરે જઈને મતદારોને રીજવી રહ્યા છે, ત્યારે આ વખની 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ અમીર ઉમેદવાર કોણ ? તે જાણવા ગુજરાતના મતદારો પણ થનગની રહ્યા છે. ભાજપ પક્ષ તમામ મોરચે આગળ છે, પછી ભલે તે સૌથી વધુ ધારાસભ્યો ધરાવતો પક્ષ હોય કે પછી આ પક્ષમાં સૌથી વધુ અમીર ધારાસભ્યો હોય...

ટોપ-5 અમીર ઉમેદવારોની યાદીમાં ભાજપના 4 નેતાઓ, કોંગ્રેસના એક નેતાનો સમાવેશ

  • આજે અહીં આપણે વાત કરીશું સૌથી વધુ અમીર ધારાસભ્ય વિશે... તો આ મામલે પણ ભાજપના ઉમેદવારનું નામ પહેલું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના સૌથી અમીર ઉમેદવારોની યાદીમાં ભાજપના ગાંધીનગર જિલ્લાના માણસા બેઠક પરના ઉમેદવાર જયંતિભાઈ પટેલનું નામ પહેલું આવે છે. જ્યંતિભાઈ પટેલ પાસે રૂ.661.29 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
  • સૌથી વધુ અમીર ઉમેદવારોની યાદીમાં બીજા નંબર પર પણ પાટણની સિદ્ધપુર બેઠક પરના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતનું નામ આવે છે. બળવંતસિંહ પાસે રૂપિયા 447 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
  • ત્રીજા નંબરે સૌથી અમીર ઉમેદવાર બાહુબલી નેતા પબુભા માણેકનું નામ આવે છે. ભાજપના ઉમેદવાર પબુભા માણેક દેવભુમી દ્વારકા જિલ્લાની દ્વારકા બેઠક પરથી આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. તેમની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે રૂપિયા 178.58 કરોડની સંપત્તિ છે. પબુભા માણેક એક એવું નામ છે, જેઓ કોઈપણ પક્ષમાં ઉભા રહે, જીત તો તેમની જ થાય છે. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કોંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. પબુભા માણેક વર્ષ 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ 3 ચૂંટણી જીત્યા હતા તો ત્યારબાદ વર્ષ 2002માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ પબુભા માણેક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં સતત જીત મેળવતા રહ્યા છે.
  • ઈન્દ્રનીલ રાજ્યગુરુ સૌથી અમીર ઉમેદવારોની યાદીમાં ચોથા નંબરે છે. તેઓ પાસે 159.84 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પહેલા તેઓ કોંગ્રેસ છોડી આપમાં ગયા અને ત્યારબાદ આપને છોડી કોંગ્રેસમાં વાપસી કરી. આ ચૂંટણીમાં તેઓ રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાન પર આવી ગયા છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ ધારાસભ્યે સત્તાવાર 122 કરોડની સંપતિ જાહેર કરી હતી. તેઓ વૈભવી કારોના શોખીન છે.  વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં રાજકોટમાં માત્ર એક જ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તેમાં ઈન્દ્રનીલ રાજકોટ પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2017માં તેમણે રાજકોટ (પશ્ચિમ) બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ખરાખરીની ટક્કર આપી હતી પરંતુ તેમની હાર થઈ હતી.
  • અમિર ઉમેદવારોની યાદીમાં ભાજપના ઉમેદવારોનો દબદબો હોય તેવું ચિત્ર આ વખતે જોવા મળ્યું રહ્યું છે, ત્યારે પાંચમા નંબરના સૌથી અમીર ઉમેદવાર રાજકોટ દક્ષિણ બેઠક પરના રમેશ ટિલાળાનું નામ આવે છે. રમેશ ટિલાળાની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે 124.86 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ચૂંટણીમાં તેમની ટક્કર કોંગ્રેસના હિતેશ એમ. વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસીયા સાથે છે.
  • તો અમિર ઉમેદવારોની યાદીમાં અપક્ષ ઉમેદવારનું નામ પણ સામેલ છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે રૂપિયા 111.97 કરોડની સંપત્તિ છે. આ ચૂંટણીમાં તેમનો સામનો ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડ તેમજ આમ આદમી પાર્ટીના ગૌતમ રાજપૂત સામે થવાનો છે.