×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજીવ ગાંધી હત્યાકાંડ: દોષિતોની મુક્તિના SCના નિર્ણયને કોંગ્રેસ પડકારશે


- સુપ્રીમ કોર્ટે આ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2022, સોમવાર

કોંગ્રેસના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે 6 દોષિતોની સમય પહેલા મુક્તિના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં નવી પુનર્વિચાર અરજી દાખલ કરશે. પાર્ટીના સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર આ મામલે રિવ્યુ પિટિશન દાખલ કરી ચૂકી છે. જેને લઈને કોંગ્રેસ તરફથી સરકાર વિરુદ્ધ નિવેદનો પણ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી હત્યા કેસમાં છ દોષિતોને નિર્દોષ જાહેર કરવાને પડકારતી નવી સમીક્ષા અરજી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. કોર્ટે આ આદેશ ગુનેગારોને સજામાં માફી માટે તમિલનાડુ સરકારની ભલામણના આધારે આપ્યો હતો.

કેન્દ્રએ તેની અરજીમાં કહ્યું હતું કે, દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારને બોલવાની પૂરતી તક આપ્યા વિના લેવામાં આવ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, સુનાવણી દરમિયાન પ્રક્રિયાગત ચૂક થઈ જેના કારણે કેસમાં કેન્દ્ર સરકારની સંડોવણી નજીવી રહી. કેન્દ્રએ તેને ન્યાય આપવામાં વિફળતા જણાવી હતી. રાજીવ ગાંધીની હત્યાના તમામ છ આરોપી પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, જેલમાં બંધ આરોપીઓ એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્ત થયા છે. 

સુપ્રીમ કોર્ટના આદેશ પર મુક્તિ આપવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ તમામ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. 21 મે 1991ના રોજ તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પૂર્વ પીએમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતું.

જેલમાં 30 વર્ષથી વધુ સમય વિતાવ્યો

કોર્ટે સ્વીકાર્યું હતું કે, દોષિતોએ 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા હતા અને સજા દરમિયાન તેમનું વર્તન સારું હતું. આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલા જ અન્ય દોષિત એજી પેરારીવલનને મુક્ત કરી દીધો હતો. તે આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો હતો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું, જેણે તેમની મુક્તિને મજબૂત બનાવી હતી. જો કે કેન્દ્ર સરકારની સાથે કોંગ્રેસ પાર્ટી પણ દોષિતોને છોડવાના વિરોધમાં છે.