×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પુણેમાં બેકાબૂ ટ્રેલરે 47 વાહનોને અડફેટે લીધાઃ લગભગ 50 ઘાયલ


- કાત્રજ ટનલ પાસેના ઢોળાવ પર વિચિત્ર અકસ્માત

મુંબઈઃ પુણેના નવલે બ્રિજ પાસે આજે બનેલી એક વિચિત્ર દુર્ઘટનામાં ભૂમકર પુલથી નીચે ઉતરી રહેલા એક ટ્રેલરે 47 વાહનોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં 50થી 60 જણ ઈજા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટના સાતારા- મુંબઈ હાઈવે પર નરહે સ્મશાનભૂમિ નજીક રાત્રે સાડા આઠ વાગ્યે બની હતી. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર નવી કાત્રજ ટનલ પાસેથી શરૂ થતા તીવ્ર ઢોળાવ પર છેલ્લા થોડા સમયમાં ઘણા અકસ્માત બન્યા છે. આ સ્પોટ ડેન્જર બની જીવલેણ પૂરવાર થઈ રહ્યું છે.

આજે આંધ્રપ્રદેશથી મુંબઈ તરફ જઈ રહેલ એક ટ્રેલર પરનું નિયંત્રણ ડ્રાઈવરે ગુમાવતા આ ટ્રેલર બેકાબુ બની ઢોળાવ પરથી તેજ ગતિએ નીચે ધસી ગયું હતું. આ ઘટનામાં 400થી 500 મીટરના અંતરમાં પસાર થઈ રહેલ 47 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા.

આ ઘટનામાં અમુક કાર ઉંધી વળી ગઈ હતી. આ  ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ, પીએમઆરડીએ, ફાયર બ્રિગેડ, રેસ્કયુ વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ તેમજ રાહત કાર્ય હાથ ધર્યું હતું.

આ ઉપરાંત સ્થાનિકો પણ મદદ માટે દોડી ગયા હતા અને જખ્મીઓને તેમના વાહનમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને લીધે બન્ને તરફનો વાહન વહેવાર ઠપ્પ થઈ ગયો હતો. મોડી રાત સુધી બચાવ-  રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.